ડાયમંડ સિટીમાં ડુપ્લીકેટની વધી ભરમાર
મસાલા,કોસ્મેટિક,ગુટખા બાદ ડુપ્લીકેટ ઓઇલ ઝડપાયું
LCBએ ડુપ્લીકેટ એન્જીન ઓઇલનો કર્યો પર્દાફાશ
પોલીસે કારખાનામાં રેડ કરીને આરોપીની કરી ધરપકડ
પોલીસે રૂ.6 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરત શહેરમાં ડુપ્લીકેટની ભરમાર જોવા મળી રહી છે,મસાલા,કોસ્મેટિક,ગુટખા બાદ હવે બનાવટી એન્જીન ઓઈલના ઉત્પાદનનો પર્દાફાશ એલસીબીની ટીમે કર્યો છે.અને આ કારખાનું ચલાવતા એક ભેજાબાજની પોલીસે ધરપકડ કરી છે.
સુરત શહેર દેશમાં સ્વચ્છ શહેરની યાદીમાં આવ્યું છે,અને ડાયમંડ નગરી વૈશ્વિક સ્તર પર પણ ખ્યાતિ પામી છે,સાથે સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે પોલીસ તંત્ર પણ સમય સાથે અપડેટ થયું છે,પરંતુ તેમ છતાં ગુનાખોરી ઘટવાનું નામ નથી લેતી! તો બીજી તરફ ભેજાબાજો દ્વારા પણ બનાવટી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરીને માર્કેટમાં તેનું ઓરીજનલ તરીકે વેચાણ કરીને અર્થતંત્રને ખોખલું કરવાની પેરવી પણ કરવામાં આવી રહી છે.
તાજેતરમાં જ ખાદ્ય મસાલા,કોસ્મેટિક,ગુટખા સહિતની ચીજવસ્તુઓનું ડુપ્લીકેટ ઉત્પાદન અને વેચાણનું કૌભાંડ ઝડપાયું હતું,ત્યાં જ શહેર ઝોન 1 એલસીબી પોલીસે ડુપ્લીકેટ એન્જીન ઓઈલના ઉત્પાદનનો પર્દાફાશ કર્યો છે.જેમાં પોલીસે ડુપ્લીકેટ કેસ્ટ્રોલ ઓઇલનું કારખાનું ચાલવતા આરોપી નવનીત જસમતભાઈ ઠુમ્મરને ઝડપી પાડ્યો છે.અને પોલીસે આરોપી પાસેથી જુદી-જુદી કંપનીઓના ડુપ્લીકેટ એન્જીન ઓઇલ સહિત કુલ રૂપિયા 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આરોપી છેલ્લા 1 વર્ષથી ડુપ્લીકેટ ઓઈલનું કારખાનું ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.