સુવિધા વગરની ગ્રાન્ટેડ શાળા સામે DEOની કાર્યવાહી
જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાં સરપ્રાઈઝ વિઝીટ કરી
પ્રેમભારતી સાકેત હિન્દી વિદ્યાલયની માન્યતા રદ કરાઈ
શાળા અત્યંત ખંડેર હાલતમાં જોવા મળી
વિદ્યાર્થીઓની સંખ્યા ખોટી દર્શાવી સરકારી ગ્રાન્ટ પણ મેળવી
સુરત શહેરમાં વિવાદોમાં રહેતી પ્રેમભારતી સાકેત હિન્દી વિદ્યાલયની માન્યતા રદ કરવામાં આવી છે,જેમાં DEO દ્વારા શાળાની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી,અને ગંભીર બેદરકારી જાણવા મળતા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરત શહેરમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતી અને ભૌતિક સુવિધાઓ વિના ધમધમતી એક ગ્રાન્ટેડ સ્કૂલ સામે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભેસાણ રોડ પર આવેલી પ્રેમભારતી સાકેત હિન્દી વિદ્યાલયમાં DEO દ્વારા કરવામાં આવેલી સરપ્રાઈઝ વિઝીટ બાદ સ્કૂલની માન્યતા રદ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે જ્યારે ભેસાણ રોડ સ્થિત પ્રેમભારતી સાકેત હિન્દી વિદ્યાલયની ઓચિંતી મુલાકાત લીધી, ત્યારે ત્યાંના દ્રશ્યો જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. સ્કૂલ કોઈ વિદ્યાનું મંદિર નહીં, પરંતુ એક જર્જરિત ખંડેર જેવી હાલતમાં હતી. સ્કૂલના બારી અને દરવાજા તૂટેલી હાલતમાં લટકતા હતા, જ્યારે વર્ગખંડોમાં ફ્લોરિંગના ઠેકાણા પણ ન હતા. સૌથી ગંભીર બાબત એ હતી કે આ જર્જરિત અને ભયજનક ઈમારતમાં જ વિદ્યાર્થીઓને બેસાડીને શિક્ષણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું હતું, જે સીધું જ બાળકોના જીવ સાથેનું જોખમ હતું.
સરકાર દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલઓને વિદ્યાર્થીઓની સુવિધા માટે ભંડોળ પૂરું પાડવામાં આવે છે, તેમ છતાં આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે પીવાનું શુદ્ધ પાણી કે પંખા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ ન હતી. વધુમાં, સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે શૌચાલય અને બાથરૂમ જેવી અનિવાર્ય સુવિધાઓનો પણ સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો. આવી દયનીય સ્થિતિમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા હતા.વધુમાં વિદ્યાર્થીઓની ખોટી સંખ્યા બતાવીને સરકારી ગ્રાન્ટ લેવામાં આવી રહી હોવાનું પણ બહાર આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ દ્વારા પ્રેમભારતી સાકેત વિદ્યાલય સામે કરવામાં આવેલી કાર્યવાહીને પગલે શિક્ષણ જગતમાં ચકચાર મચી જવાની સાથે ફફડાટ વ્યાપી ગયો હતો.