સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં થાઈ ગર્લને લાવવામાં આવતા સર્જાયેલા વિવાદમાં રેસિડેન્ટ ડૉક્ટર વિરુદ્ધ આકરા પગલાં લેવામાં આવ્યા છે.
સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલની તપાસ સમિતિ દ્વારા રેસિડેન્ટ ડૉક્ટર ઋત્વિક દરજીને કોલેજની હોસ્ટેલમાં થાઈ ગર્લને લાવવાના મામલે દોષી જાહેર કરી રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે. ગત શનિવારની મોડી રાત્રે સ્મીમેર હોસ્પિટલના કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં એક રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કથિત રીતે રંગરેલિયા મનાવવા માટે થાઈ ગર્લને બોલાવવામાં આવી હતી. જોકે, ત્યારે કોઈ કારણસર તેની સાથે ઝગડો થતાં રેસિડેન્ટ ડોક્ટરે થાઈ ગર્લને તમાચો મારી દીધો હતો. જેને લઈને અસ્તવ્યસ્ત હાલતમાં થાઈ ગર્લ હોસ્ટેલના રૂમમાંથી ભાગી હતી. જેને લઈને આખો મામલો તંત્રની સામે આવ્યો હતો. સ્મીમેર મેડિકલ કોલેજમાં ડૉક્ટર ઋત્વિજ દરજીના રંગરેલિયા મનાવતા પ્રકરણમાં 5 સભ્યોની તપાસ સમિતિ નીમાઈ હતી. સમિતિએ ઘટના અંગે નાનામાં નાની વાતને ઊંડાણપૂર્વક તપાસીને રિપોર્ટ તૈયાર કરી કમિશનરને સોંપી દીધો હતો. આ તપાસમાં વોર્ડન, રેક્ટર, સિક્યુરિટી ગાર્ડ તેમજ અન્ય લોકો સાથે પણ વાતચીત કરવામાં આવી હતી, અને જેટલા પણ દસ્તાવેજો સામે આવ્યા તેને પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ જે પ્રકારના એવિડન્સ અને નિવેદનો મળ્યા તેના આધારે રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે, ખાતાકીય તપાસ બાદ કેટલો સમય સસ્પેન્ડ કરાશે તે નક્કી થશે.