સુરેન્દ્રનગરના થાનગઢમાં સ્થિત પૌરાણિક ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પ્રસંગે સોલંકી પરિવાર પિતાના 1971ના સંકલ્પને પૂર્ણ કરતાં સતત 36મી વાર મંદિરના શિખર પર બાવન ગજની કલાત્મક ધજા નિઃશુલ્ક ચડાવશે.

સુરેન્દ્રનગરના વિશ્વવિખ્યાત તરણેતરના ભાતીગળ મેળામાં આસ્થા, સંકલ્પ અને પરંપરાનો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. લોકમેળાની ધાર્મિક પરંપરામાં વધુ એક ગૌરવપૂર્ણ અધ્યાય ઉમેરાશે, જ્યારે પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર શિખર પર સોલંકી પરિવાર દ્વારા સતત 36મી વાર અનોખી 52 ગજની ધજા લહેરાવવામાં આવશે.

આ પરંપરા માત્ર ધાર્મિક વિધિ નથી પણ શ્રદ્ધા અને સમર્પણની એક અદભુત યાત્રા છે. વર્ષ 1971માં પિતાએ લીધેલા પવિત્ર સંકલ્પથી શરૂ થયેલી આ સેવાને વર્ષ 1990થી સોલંકી પરિવારે નિઃશુલ્ક ભાવે આગળ ધપાવી છે. છેલ્લા ત્રણ દાયકાથી પણ વધુ સમયથી આ પરિવાર ત્રિનેત્રેશ્વર મહાદેવની ધજા સેવા પૂરી નિષ્ઠાથી બજાવી રહ્યો છે. આ વખતે પણ 15 દિવસની ભારે જહેમત બાદ સાડા સાત કિલો વજન ધરાવતી આ કલાત્મક ધજા તૈયાર કરવામાં આવી છે, જેમાં કેસરી કાપડ પર ‘ૐ’, બીલીપત્ર અને આકર્ષક કાંગરાવાળી બોર્ડરનું બારીક કામ કરવામાં આવ્યું છે.

મંદિરના ઊંચા શિખર પર આ વિશાળ ધજાનું સંતુલન અને મજબૂતી જળવાઈ રહે તે માટે ખાસ ટેકનિકી ધ્યાન આપવામાં આવ્યું છે. આ 52 ગજની ધજા પાછળ એક ખાસ ધાર્મિક અને વૈદિક ગણિત છુપાયેલું છે. 27 નક્ષત્ર, 12 રાશિ, 4 દિશાઓ અને 9 ગ્રહોના સરવાળાથી બનતું 52નું ગણિત સનાતન ધર્મમાં સૃષ્ટિની પૂર્ણતાનું પ્રતિક માનવામાં આવે છે. જ્યારે આ બાવન ગજની ધજા પવનની લહેરો સાથે ત્રિનેત્રેશ્વર મહાદેવના શિખરે લહેરાશે, ત્યારે સમગ્ર મેળાગણ આસ્થાના રંગે રંગાઈ જશે.