પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આગામી 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર 2026 સુધી સેવા સંકલ્પ ઉત્સવ-2026 ની ઉજવણી કરવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેવા અને સમર્પણના 25 વર્ષના અવસરે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા, તાલુકા, પંચાયત, નગર અને બૂથ સ્તરે જનકલ્યાણ અને સેવાકીય પ્રવૃત્તિઓનું વ્યાપક આયોજન કરાયું છે.ભરૂચ જિલ્લામાં એક મહિનો ચલનાર ઉજવણીના મુખ્ય આકર્ષણો અને કાર્યક્રમોમાં આશીર્વાદનો દીવડો 17 સપ્ટેમ્બરે સાંજે 7:00 કલાકે જિલ્લાના દરેક ઘરે દીવો પ્રગટાવાશે. તા. 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ઘર-ઘર દીવા વિતરણનું આયોજન કરાશે. 25 કરોડ બાળકોના સપનાનું ભારત હેઠળ 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન તમામ શાળાઓમાં ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા યોજાશે. વિજેતાઓને મુખ્યમંત્રીના હસ્તાક્ષરવાળું પ્રમાણપત્ર અને પુરસ્કાર અપાશે.નમો સેવા – પરિવર્તનની ગાથા હેઠળ છેલ્લા 25 વર્ષના સેવા કાર્યો આધારિત નાટક અને પ્રભાવશાળી વાર્તાઓ રજૂ કરાશે. આંગણનો ઉત્સવ & સેવા સેતુ કાર્યક્રમ હેઠળ આંગણવાડી કેન્દ્રો પર માતાઓ અને બાળકોનું સન્માન, મીઠાઈ-ફળ વિતરણ કરાશે. તેમજ સરકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા સેવા સેતુ યોજાશે.સેવા જ્યોતિ યાત્રા & વિકસિત ભારત સંકલ્પ અભિયાનમાં જિલ્લાના ગામોમાં અખંડ જ્યોતિ સાથે વાહન અને બાઇક રેલીઓ યોજાશે, જેમાં વિકસિત ભારત સંકલ્પ 2047 લેવડાવાશે.વડનગરથી વારાણસી યાત્રા કાર્યક્રમમાં ગુજરાતની નદીઓમાંથી એકત્રિત પવિત્ર જળ સાથે 250 બાઇક પર 500 યાત્રીઓ વડનગર હાટકેશ્વર મહાદેવથી કાશી વિશ્વનાથ જળાભિષેક માટે પ્રસ્થાન કરશે.ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સેવા સંકલ્પના 13 કાર્યક્રમોના આયોજન અંગે ડિસ્ટ્રીકટ બેંક ખાતે કાર્યશાળા યોજાઈ હતી. પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડિયાએ વક્તા તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યશાળામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, મહામંત્રીઓ પરેશ પટેલ, જીગ્નેશ મિસ્ત્રી, નરેન્દ્રસિંહ પરમાર, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ડી.કે. સ્વામી સહિત જિલ્લા સંગઠનના હોદેદારો, વિવિધ મોરચાના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.