સુરેન્દ્રનગર ખાતે નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા પોતાના પડતર પ્રશ્નો અંગે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય સહિતના આગેવાનો તેમજ સફાઈ કામદારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ચોકથી નગરપાલિકા કચેરી સુધી સફાઈ કામદારો દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના આગેવાનો, સફાઈ કામદારો અને કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. છેલ્લા ઘણા વર્ષોથી સફાઈ કામદારો પોતાના હક તેમજ વિવિધ માંગણીને લઈ લડત આપી રહ્યા છે. જેમાં નગરપાલિકામાંથી સફાઈ કામગીરીની કોન્ટ્રાક્ટ પદ્ઘતિ નાબૂદ કરવી, રોજમદાર સફાઇ કામદારોને કાયમી કરવા, લઘુતમ વેતન ચૂકવવું અને નિયમિત પગાર ચૂકવવા સહિતની પડતર માંગો પૂર્ણ કરવાની માંગ સાથે મહારેલી યોજાઇ હતી. રેલી દરમ્યાન સફાઈ કામદારોએ માર્ગ પર સૂઈ જઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જોકે સફાઈ કામદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાતા મામલો વધુ ઉગ્ર ન બને તે માટે દસાડાના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત કોંગ્રેસના આગેવાનો અને સફાઈ કામદારો મળી અંદાજે 100થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી હતી.