સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરની ખાનગી શાળાની બાળાઓએ રક્ષાબંધનના પવિત્ર દિવસે પોલીસ ખાતામાં ફરજ બજાવતા પોલીસભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરી હતી.
ભાઈ અને બહેનના પ્રેમને ઉજાગર કરતો તહેવાર એટલે રક્ષાબંધન. આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરે છે. જોકે હાલ ચાલી રહેલ કોરોના વાયરસની મહામારી વચ્ચે પોલીસ ખાતામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પોતાના વતનમાં જઈ શકતા નથી. ઉપરાંત લોકોની રક્ષા કરવા માટે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવી રહ્યા છે, ત્યારે પોલીસકર્મીઓને પણ પરિવારની હૂંફ મળી રહે તે હેતુથી ધ્રાંગધ્રા શહેરની સાધના સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા પોલીસ ભાઈઓને રાખડી બાંધવામાં આવી હતી. આ વર્ષે કોરોના મહામારીના કારણે શાળાની 5 જ વિદ્યાર્થીનીઓ દ્વારા પોલીસ જવાનોને રાખડી બાંધવામાં આવી હતી. જેમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન અને સીટી પોલીસ સ્ટેશનના જવાનોને રાખડી બાંધી હતી. કોરોના વોરિયર્સની ફરજ બજાવતા પોલીસકર્મીઓનું આરોગ્ય સારું રહે તેવી શાળાની વિદ્યાર્થીનીઓએ શુભેચ્છા સાથે પાઠવી હતી.