સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી અકસ્માતના બનાવો વધ્યા છે. હજી બે દિવસ પહેલા જ મજૂરો ભરેલા ટ્રેક્ટર સાથે માલવણ હાઇવે પર અખિયાણા ગામ પાસે ટ્રેલર અથડાતા 2 લોકોના મોત નિપજ્યાં હતા અને 15 મજૂરો ઘાયલ થયા હતા. આ અકસ્માતની ઘટનાની શાહી હજી સુકાઇ નથી ત્યાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વણોદ ગામ પાસે કાર સાથે બાઇક અથડાતા બાઇકમાં સવાર બંને યુવાનોના મોત થયા હતા. બાદમાં બાઇકમાં ભયાવહ આગ લાગતા બાઇક સ્વાહા થયું હતું. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. આ અકસ્માતના પગલે દસાડા પોલીસના પીએસઆઇ એચ.એલ.ઠાકર, મનીષભાઇ અઘારા અને નિલેશભાઇ રથવી સહિતના પોલીસ સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ બંને યુવાનોની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી કાર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.