તાપી : વેલદા ગામે લગ્ન પ્રસંગમાં ઉમટી ભીડ, બેદરકારી બદલ PSI અને બીટ જમાદાર સસ્પેન્ડ

New Update
તાપી : વેલદા ગામે લગ્ન પ્રસંગમાં ઉમટી ભીડ, બેદરકારી બદલ PSI અને બીટ જમાદાર સસ્પેન્ડ

ગુજરાતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહયાં છે તેવામાં તાપી જિલ્લાના વેલદા ગામમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ભીડ ઉમટી પડતાં પોલીસ એકશનમાં આવી હતી. લગ્નના આયોજક તથા બેન્ડ પાર્ટીના માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે જયારે બેદરકારી બદલ પીએસઆઇ અને બીટ જમાદારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

ગુજરાત અને મહારાષ્ટ્ર ની હદ ને અડી ને આવેલા નિઝર તાલુકા ના વેલદા ગામે ગત 23મી માર્ચના રોજ લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી થઇ હોવાનો વિડીયો વાયરલ થયો હતો. કોરોનાનું સંક્રમણ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં રોકેટ ગતિએ વધી રહ્યું છે ત્યારે સરકારની પણ ઉંઘ હરામ થઈ ગઈ છે. ભીડ એકત્ર થતી રોકવા સરકાર વિવિધ પગલાંઓ ભરી રહી છે તેવામાં વાયરલ થયેલા વિડીયો બાદ પોલીસ એકશનમાં આવી હતી. તાપી એસપીના સીધા માર્ગદર્શન હેઠળ લગ્નના આયોજક તથા બેન્ડ પાર્ટીના બે માલિકો સહિત 3 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બેન્ડ પાર્ટીના વાજિંત્રો અને સાધનો પણ કબજે કરી લીધાં છે. બનાવની ગંભીરતા પારખી એસપી સુજાતા મજમુદારે નિઝર પોલીસ સ્ટેશનના પીએસઆઇ નિખિલ ભોયા અને બીટ જમાદાર ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. હાલ કોરોનાના કેસ જે રીતે વધી રહયાં છે તે જોતાં હવે લોકોએ પણ જાગૃત બનવાની જરૂર છે. બિનજરૂરી ભીડ એકત્ર કરવાનું અત્યારે પોસાઇ તેમ ન હોવાથી લોકો પણ સમજદારી દાખવે તે સમયની માંગ છે.

Latest Stories