સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અંકલેશ્વરમાં બે અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઇસમોને 1.04 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા.જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.
દિવાળી તહેવાર પહેલા જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલમ અટકાવવા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ભરૂચ જિલ્લામાં ધામા નાખ્યા છે.સ્ટેટ મોનીટરીંગ ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વરની નવી નગરી ચાર રસ્તા નજીક ગુરુદ્વારા પાસે વાંસના શેડ નીચે અને પીરામણ નાકા પીઠા ફળીયા પાસે ચોકડીના ઓટલા ઉપર વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે નવીનગરી ચાર રસ્તા પાસે ગુરુદ્વારા નજીક રહેતો ગણેશ રાજુભાઈ વસાવા અને ભરૂચના ઇશાકપુરા વિસ્તારમાં રહેતા સોયબ સલીમભાઈ મેમણને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.
જ્યારે આવી જ રીતે પીરામણ નાકા પીઠા ફળિયા પાસે પાણીની ચોકડીના ઓટલા પર દરોડા પાડયા હતા.પોલીસે સ્થળ પરથી અશોક મોતીભાઈ વસાવા અને જીગ્નેશ રમેશભાઈ વસાવાને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.
આમ પોલીસને બંને સ્થળેથી વિદેશી દારૂની કુલ 161 બોટલો મળી આવી હતી.પોલીસે 40 હજારથી વધુનો દારૂ અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 1.04 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને કરણ અને દેવજી નામના બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
