ભારતમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વિવિધ બીમારી જોવા મળી રહી છે. ઊંઘ ન આવવી અને બોલવાનું મોડું શરૂ થવું વગેરે જોવા મળી રહ્યું છે. આ માટે મોબાઇલ જવાબદાર છે. એક નવી સ્ટડી મુજબ રોજ સરેરાશ 2.2 કલાક સ્ક્રીન સામે સમય વિતાવે છે. આ આંકડો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને ઈન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ દ્વારા સૂચવેલી મર્યાદા કરતા બે ગણો વધુ છે. આ સ્ટડી AIIMS રાયપુર દ્વારા કરવામાં આવી હતી, જેમાં સંશોધકોએ 10 અલગ-અલગ સ્ટડીઝમાં સામેલ લગભગ 2,900 બાળકોના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું.
આ સ્ટડી અનુસાર 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ દરરોજ લગભગ 1.2 કલાક સ્ક્રીનનો ઉપયોગ કરે છે. એક્સપર્ટનું કહેવું છે કે આ ઉંમરના બાળકોને વીડિયો કોલ સિવાય સ્ક્રીનથી દૂર રાખવા જોઈએ. ડોક્ટરના જણાવ્યા મુજબ 2 થી 5 વર્ષની ઉંમરના મોટા ભાગના બાળકો માટે નક્કી કરેલી દિવસની 1 કલાકની મર્યાદા પણ પાર થઈ રહી છે.
નાના બાળકોમાં વધારે સ્ક્રીન ટાઈમને કારણે બોલવામાં મોડું થઈ રહ્યું છે. લોકો સાથે હળી-મળી નથી શકતા, ઊંઘની સમસ્યા, વજન વધવું, ચિંતા અને શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે.
