ભારે વરસાદને કારણે કાદવ અને કીચડ ભરાઈ જવાથી છેલ્લા કેટલાક દિવસથી બંધ કરાયેલો દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વેનો ભરૂચ–અંકલેશ્વર વચ્ચેનો પોર્શન હવે ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
એક્સપ્રેસ-વેનો ઉપયોગ હવે અંકલેશ્વર નજીકના પુન ગામથી શરૂ કરી શકાશે. સતત વરસાદને કારણે થોડો સમય માટે એક્સપ્રેસ-વે બંધ રાખવો પડ્યો હતો જો કે ફરીથી આ માર્ગ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા તરફથી સુરત તરફ જતા વાહનચાલકો અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ વે પરથી ઉતરી અંકલેશ્વર-હાંસોટ અને સુરતને જોડતા સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરી શકશે. આ જ રીતે સુરત તરફથી વડોદરા તરફ જતા વાહનચાલકો પણ સ્ટેટ હાઇવે પરથી અંકલેશ્વરના પુન ગામ થઈ એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી શકશે. આ માર્ગ પુન શરૂ થવાથી ભરૂચ અંકલેશ્વરમાં સર્જાતી ટ્રાફિકજામની સમસ્યામાંથી મહદઅંશે મુક્તિ મળશે.
