ભરૂચ રેલવે સ્ટેશન પર SMC અને GRP દ્વારા એક મોટું ઓપરેશન પાર પાડીને દારૂની મોટી ખેપ ઝડપી પાડવામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધી વચ્ચે ટ્રેન મારફતે દારૂ ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ભરૂચ રેલવે પ્લેટફોર્મ પર સ્ટેટ મોનીટરીંગ સેલ અને રેલવે પોલીસે શંકાસ્પદ હાલતમાં ફરતા કેટલાક ઇસમોને અટકાવીને તપાસ કરી હતી. દરમિયાન તેમની પાસે રહેલી ટ્રોલી બેગ, ટ્રાવેલ બેગ અને અલગ-અલગ થેલાઓની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની પેટીઓ અને મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે દારૂના જથ્થા સાથે સપ્લાય કરનારા આરોપીઓની ઘટનાસ્થળેથી જ અટકાયત કરી લીધી છે. હાલ SMC અને GRP દારૂના જથ્થાની ગણતરી સાથે ગુનો દાખલ કરી ઝડપાયેલા આરોપીઓની ઊંડાણપૂર્વક પુછપરછ કરી રહી છે.આ દારૂનો જથ્થો કયા રાજ્ય કે સ્ટેશનથી ટ્રેનમાં લોડ કરવામાં આવ્યો હતો અને તેનો મુખ્ય સૂત્રધાર કોણ છે. દારૂની આ મોટી ખેપ ભરૂચ કે આસપાસના કયા-કયા વિસ્તારોમાં પહોંચાડવાની હતી સહિતની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જોકે રેલવેમાં ટ્રેન મારફતે મોટા પાયે દારૂની હેરફેર થતી હોવાને લઈ અનેક સવાલો પણ ઉઠી રહ્યાં છે.