મજબૂત વૈશ્વિક સંકેતો અને સ્થાનિક બજારના સકારાત્મક માહોલના કારણે આજે ભારતીય શેરબજારની શરૂઆત જોરદાર તેજી સાથે થઈ છે. ગઈકાલની સુસ્તી બાદ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

બીએસઈનો 30 શેરોનો સૂચકાંક સેન્સેક્સ 657 પોઈન્ટના ઉછાળા સાથે 77,423ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 191 પોઈન્ટની તેજી સાથે 24,176ના સ્તરે ખુલવામાં સફળ રહ્યો હતો.

એશિયન બજારો

બુધવારે એશિયન શેરબજારોમાં શરૂઆતનો કારોબાર મિશ્ર રહ્યો હતો. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં ટેક કંપનીઓના વધતા ખર્ચ, મોટી કંપનીઓના આવનારા પરિણામો અને આજે અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજદરના નિર્ણય પહેલાં રોકાણકારો સાવચેત જોવા મળ્યા હતા.

જાપાનનો નિક્કેઈ 225 ઇન્ડેક્સ 0.49% ઘટ્યો.
દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો.
ચીનનો શાંઘાઈ કોમ્પોઝિટ 0.19%ના ઘટાડા સાથે લાલ નિશાનમાં રહ્યો.
જ્યારે હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 1.45%ની તેજી સાથે કારોબાર કરી રહ્યો હતો.