ભરૂચના જંબુસરમાં એસટી ડેપો વિસ્તાર પાસે આવેલી ખુલ્લી ગટરમાં બે બાળકો ખાબકતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બંને બાળકોને ગટરમાંથી બહાર કાઢ્યાં હતાં. ત્યારબાદ બંને બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

જંબુસરના એસટી ડેપો વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટર રાહદારીઓ અને સ્થાનિક લોકો માટે જોખમરૂપ બની રહી છે. આ અગાઉ પણ આ જ વિસ્તારમાં રિક્ષા અને ગાય ગટરમાં ખાબકવાની ઘટનાઓ બની ચૂકી છે. તેમ છતાં ખુલ્લી ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.

બે બાળકો ગટરમાં ખાબકવાની ઘટના બાદ સ્થાનિકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે કે નહીં, તેવો પ્રશ્ન ઊભો થાય છે.