અરબી સમુદ્રના મોજાં વચ્ચે અડીખમ ઊભેલો ‘સુદર્શન સેતુ’
‘સુદર્શન સેતુ’એ લોકો માટે ખોલ્યા છે આર્થિક સમૃદ્ધિના દ્વાર
આ બ્રિજ દ્વારા ભક્તો માટે દ્વારકાધીશના દર્શન સુલભ બન્યા
હોટેલ, રેસ્ટોરન્ટ અને લોજિંગ વ્યવસાયમાં પણ તેજી આવી
સ્થાનિકો માટે સ્વરોજગારીના નવા દ્વાર ખુલ્યાં : હોટેલ એસો.
દેવભૂમિ દ્વારકાનો ‘સુદર્શન સેતુ’ લોકોનું જીવનધોરણ ઊંચું લાવીને ગુજરાતના દરિયાકાંઠાના સર્વાંગી વિકાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સાબિત થયો છે.
અરબી સમુદ્રના મોજાં વચ્ચે અડીખમ ઊભેલો ‘સુદર્શન સેતુ’ આજે બેટ દ્વારકાના છેવાડાના માનવી માટે આર્થિક સમૃદ્ધિની નવી લાઈફલાઈન બન્યો છે. વર્ષ 2024માં લોકાર્પિત થયેલા આ દેશના સૌથી લાંબા કેબલ-સ્ટેઇડ બ્રિજે કલાકોની બોટ-મુસાફરી અને લાંબી કતારોનો અંત લાવી, દેશભરના ભક્તો માટે દ્વારકાધીશના દર્શન ગણતરીની મિનિટોમાં સુલભ બનાવ્યા છે, જ્યાં સીધી રોડ કનેક્ટિવિટી મળતાં જ પ્રવાસનમાં મોટો ઉછાળો આવ્યો છે
ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુએ તીર્થયાત્રાનો સમગ્ર અનુભવ જ બદલી નાખ્યો છે. અગાઉ માત્ર હોડીઓ પર નિર્ભર રહેતા શ્રદ્ધાળુઓ હવે પોતાનાં વાહનો લઈને સીધા ધામ સુધી પહોંચી રહ્યા છે, જેને પગલે અહીં યાત્રાળુઓની સંખ્યામાં વિક્રમજનક વધારો નોંધાયો છે. પ્રવાસીઓની વધતી આવનજાવનથી સ્થાનિક અર્થતંત્રને નવી ઊર્જા મળી છે. હોટેલ, રેસ્ટોરન્ટ અને લોજિંગ વ્યવસાયમાં તેજી આવી છે, તો બીજી તરફ ટેક્સી અને લોકલ ટ્રાન્સપોર્ટના ફેરા વધતાં ચાલકોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
જોકે, અહી સ્થાનિક રિક્ષાચાલકોથી લઈને હોટેલ વ્યવસાય સુધી દરેક સ્તરે રોજગારીની અઢળક નવી તકો ઊભી થઈ છે. આ સાથોસાથ સ્થાનિક યુવાનો માટે ફોટોગ્રાફી, વ્લોગિંગ અને ટૂરિસ્ટ ગાઇડ તરીકે સ્વરોજગારીના નવા દ્વાર પણ ખુલ્યાં છે. આ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરે આજીવિકા માટે થતું સ્થળાંતર અટકાવી, સ્થાનિક સ્તરે જ સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કર્યું છે. આસ્થાના પંથને સુગમ બનાવતો આ સેતુ લોકોનું જીવનધોરણ ઊંચું લાવીને ગુજરાતના દરિયાકાંઠાના સર્વાંગી વિકાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સાબિત થયો છે.
