ભરૂચના આમોદ કોંગ્રેસના પ્રમુખ સામે ફરિયાદ
આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવી
સરકારની કામકાજમાં રુકાવટના આક્ષેપ
તાલુકા પંચાયત સભ્ય સામે પણ ફરિયાદ
ભરૂચના આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને સભ્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.સરકારી કામકાજમાં રુકાવટ અને ધમકી આપવા સહિતની ફરિયાદ નોંધાઇ છે.
ભરૂચના આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરની ફરિયાદના આધારે આમોદ પોલીસે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા તાલુકા પંચાયતના સભ્ય સહિત બે વ્યક્તિઓ સામે સરકારી કર્મચારીને ફરજ બજાવવામાં અવરોધ ઉભો કરવો, ધમકી આપવી અને સરકારી કામગીરીમાં દખલગીરી કરવાના આક્ષેપસર ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ, તા. 4 ઓગસ્ટ, 2026ના રોજ બપોરના સમયે તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત કચેરી ખાતે પોતાની ઓફિસમાં ફરજ પર હાજર હતા. તે દરમિયાન સરભાણ ગામના રહેવાસી અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ નરેન્દ્રકુમાર ઉર્ફે કાજી રાજેન્દ્રભાઈ પટેલ, તેમજ તાલુકા પંચાયત સભ્ય જિતેન્દ્રકુમાર રાજેન્દ્રભાઈ પટેલ કચેરીમાં પહોંચ્યા હતા.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે બંનેએ તાલુકા વિકાસ અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી કરી, સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કર્યો, અપશબ્દો ઉચ્ચાર્યા, ધમકી આપી તેમજ કચેરીમાં હોબાળો મચાવી સરકારી ફરજમાં વિક્ષેપ પહોંચાડ્યો હતો.
આ બનાવ બાદ તાલુકા વિકાસ અધિકારીએ આમોદ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી હતી.આમોદ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
