વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ લિલેરિયા હાઇટ્સની લિફ્ટમાં 08 લોકો ફસાઈ જતાં દોડધામ મચી જવા પામી હતી. જોકે ફાયર લાશ્કરોએ તુરંત સ્થળ પર ધસી જઇ ગણતરીની મિનિટોમાં તમામનું સહી-સલામત રેસ્ક્યુ કર્યું હતું.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ લિલેરિયા હાઇટ્સની લિફ્ટમાં રહીશો ફસાઇ જવાની ઘટના સામે આવી હતી. બંધ બોડીની લિફ્ટમાં 08 લોકો ફસાઈ જતા ગભરાટનો માહોલ ફેલાયો હતો. સ્થાનિકોએ બનાવ અંગેની જાણકારી ફાયર વિભાગને કરતા સબ. ઓ. જયદીપ ગઢવી , સબ. ઓ. અંબાલાલ તડવી સહિત લાશ્કરોની ટિમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી.

ગણતરીની મિનિટોમાં તમામ વ્યક્તિઓનું સહી-સલામત રેસ્ક્યુ કર્યું હતું. આ દરમિયાન ફાયર વિભાગને કોલ કરનાર વ્યક્તિએ યોગ્ય માહિતી પૂરી ના પાડતા લાશ્કરોને ત્રણથી ચાર લિફ્ટ ચેક કરવાની નોબત આવી હતી. અને સમયનો વેડફાટ થયો હતો. લિફટ ખોટકાવવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. જોકે ઉપર ઓવરલોડના પગલે ઘટના ઘટી હોવાનું અનુમાન છે.