વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર ખાતે આવેલ નર્મદા નદીના કિનારા પરના ઓવારા નજીક નારેશ્વર ટ્રસ્ટના સહયોગથી નિર્માણ પામેલ નવીન પોલીસ ચોકીનું લોકાર્પણ કરજણ-શિનોર-પોર બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

કરજણ તાલુકા સહિત ગુજરાતમાં યાત્રાધામ નારેશ્વરની લોકપ્રિયતા પર્યટકોમાં દિન પ્રતિદિન ખૂબ વધવા માંડી છે. શ્રી રંગ અવધૂત મહારાજનો આશ્રમ પણ આવ્યો હોવાથી દર્શનાર્થે આવતા લોકોની ભીડ પણ પ્રસંગોપાત વધતી હોય છે. હજારોની સંખ્યામાં સહેલાણીઓ તેમજ ભક્તો નારેશ્વર ખાતે આવી પહોંચતાં હોય છે. ઉપરાંત થોડા દિવસો અગાઉ ઓવારા પર મુકવામાં આવેલ શ્રી રંગ અવધૂત મહારાજની પ્રતિમા કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ખંડિત કરવાનો બનાવ પણ બન્યો હતો. નર્મદા નદીના ઓવારે બનાવવામાં આવેલ પોલીસ ચોકી જાહેર જનતાની સલામતી માટે આશીર્વાદરૂપ સાબિત થનાર છે. સાથે જ નારેશ્વર ટ્રસ્ટ દ્વારા આવનારા દિવાળોમાં ઓવારા નજીક આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા પણ મુકવામાં આવશે, ત્યારે આ ચોકીના લોકાર્પણ પ્રસંગે નારેશ્વર મંદિરના ટ્રસ્ટી, પોલીસ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.