વડોદરા શહેરમાં એક યુવકે ચાલુ બાઇક પર બન્ને હાથમાં એક-એક મોબાઇલ રાખી વાત કરતા CCTV કેમેરામાં નજરે પડ્યો હતો. સમગ્ર મામલે પોલીસે આ યુવકને રૂપિયા 1 હજારનો મેમો આપ્યો હતો. પરંતુ લોકોએ સોશિયલ મીડિયા પર એક લાખનો દંડ કરવો જોઇએ તેવી પણ કોમેન્ટ કરી હતી.
વડોદરા શહેર પોલીસે સોશિયલ મીડીયા એકાઉન્ટમાં ગત શનિવારે એક વીડિયો પોસ્ટ મૂકી હતી. જેમાં વાડી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગેંડીગેટના CCTV ફુટેજમાં ચાલુ બાઈક પર એક યુવક બન્ને હાથમાં એક-એક મોબાઈલ રાખ્યો હતો. એક હાથે મોબાઈલથી વાત કરે છે, અને બીજા હાથે મોબાઈલ પકડ્યો છે. બાઈકના સ્ટીયરીંગ પર હાથ નથી. જોકે, આ બાઈક ચાલક પોલીસના CCTVમાં કેદ થઈ ગયો હતો.
પોલીસે આ મામલે બેજવાબદાર બાઇક ચાલક યુવકને 1 હજાર રૂપિયાનો મેમો આપી દંડ ફટકાર્યો હતો, જ્યારે વડોદરા પોલીસે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ મુકતા લોકોએ 1 હજાર નહીં પણ 1 લાખ રૂપિયાનો દંડ કરવો જોઈએ તેવી કોમેન્ટો પણ કરી હતી. વડોદરા શહેર પોલીસે ઈશ્યું કરેલા મેમોમાં વાહન ચાલકનું નામ મુકેશ મખીજાની અને તે તરસાલીનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે આ CCTV ફૂટેજ 21 જાન્યુઆરીના રોજ સવારે 11:26 વાગ્યાના છે. પોલીસે 23 દિવસ બાદ આ ફૂટેજ સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂક્યો હતો.
