નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત માઁ ભારતી પ્રાથમિક શાળા, અકોટા પોલીસ લાઇન ખાતે આજરોજ ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ઈતિહાસમાં તા. 28 ફેબ્રુઆરીનો દિવસ રામન ઈફેક્ટની શોધ એટલે કે, રામન ઇફેક્ટની શોધ કરનાર ડૉ.સી.વી.રામનની યાદમાં વૈજ્ઞાનિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1986માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ આ દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું. આ વર્ષ તેનાથી પણ વિશેષ છે. ભારતને G-20નું પ્રમુખપદ મળ્યા પછી, આ વર્ષ હવે વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. રામન ઇફેક્ટની શોધ કરનાર ડૉ. સી.વી.રામનને આ શોધ માટે 1930માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર મેળવનાર તેઓ માત્ર ભારતના જ નહીં, પરંતુ એશિયાના પ્રથમ વૈજ્ઞાનિક હતા. આ શોધના સન્માનમાં, 1986થી આ દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવાનો ટ્રેન્ડ છે.

વર્ષ 1954માં ભારત સરકારે તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કર્યો. દેશ અને વિશ્વના ઈતિહાસમાં તા. 28મી ફેબ્રુઆરીની તારીખે નોંધાયેલી મહત્વની વાત છે, ત્યારે આજરોજ વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત માઁ ભારતી પ્રાથમિક શાળા, અકોટા પોલીસ લાઇન ખાતે 75 જેટલાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના શૈક્ષણિક અભ્યાસમાં સમાવિષ્ટ વિવિધ પ્રોજેક્ટસ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ભૂગોળને લગતા, શરીર વિજ્ઞાન તેમજ જનજાગૃતિ અંગેના પ્રોજેક્ટસ સામેલ હતા. આ વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેષ પંડ્યા, ઉપાધ્યક્ષ ડો. હેમાંગ જોશી સાથે જ શિક્ષણ સમિતિના સભ્યો, શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યાંમાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.