વડોદરા મધ્યસ્થ જેલ દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, જે અંતર્ગત શહેરના દંતેશ્વર વિસ્તાર ખાતે ઓપન જેલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઓપન જેલમાં ખેતી કામ, ગૌશાળા, પેટ્રોલ પંપ વગેરે જેવી ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. અને ખાસ કરીને વર્ષ 2018 માં પેટ્રોલ પંપ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં કેદીઓ કાર્યરત છે.
વડોદરા મધ્યસ્થ જેલના વેલફેર ઓફિસર મહેશભાઈ રાઠોડે જણાવ્યું કે, ગુજરાતમાં જેલ વિભાગમાં સૌ પ્રથમ પેટ્રોલ પંપ સ્થાપિત કરવામાં આવ્યો હોય તો એ વડોદરામાં છે. આ પેટ્રોલ પંપ વડોદરા મધ્યસ્થ જેલ દ્વારા સંચાલિત છે. પેટ્રોલ પંપમાં થતા નફાને કેદી વેલફેર ફંડમાં જમા કરવામાં આવે છે. આનો હેતુ બસ એક જ છે કે, જે કેદીઓ ઓપન જેલમાં કામ કરે છે કેદીઓ પુનર્વરસિત થાય અને સારામાં સારું વળતર પ્રાપ્ત કરે. આ પેટ્રોલ પંપમાં અત્યારે ત્રણ કેદીઓ કાર્યરત છે. જેમાં પેટ્રોલ પંપની સાચવણીનું કામ, હવા ભરવાનું કામ અને ઓઇલ બદલી આપવાનું કાર્ય કરી રહ્યા છે. સવારથી રાત સુધી આ પંપ ચાલુ રહે છે. જેમાં ઘણા શહેરીજનો પેટ્રોલ પુરાવા આવતા હોય છે.
આ પેટ્રોલ પંપમાં દર મહિને લગભગ રૂપિયા 2 લાખથી વધુ નફો મળે છે, જે કેદી વેલફેર ફંડમાં જમા થતો હોય છે. અહીં તમામ કેદીઓ પોતાનું કામ સમજીને ખૂબ જ મહેનતથી કામ કરી રહ્યા છે. અને ખાસ કેદીઓ સાથે શહેરીજનો પણ પંપ પર કાર્ય કરી રહ્યા છે તો એમની સુરક્ષા માટે એસ.આર.પી. પોઇન્ટ રાખવામાં આવ્યા છે. અને ઓપન જેલના કેદીઓ સંપૂર્ણ પણે વિશ્વાસ પાત્ર હોવાથી જ આ કામ એમને શોપવામાં આવ્યું છે.
ખાસ કરીને જે કેદીના 14 વર્ષની જેલ સજા પુરી થઈ ગઈ હોય, અને સજા દરમિયાન જે કેદીને જેલ શિક્ષા કે જેલ ગેરવર્તણૂક કરી ન હોય, એવા આદર્શ કેદીઓને ઓપન જેલ ખાતે બદલવામાં આવે છે.