વડોદરા કોસ્મોસ કો.ઓ.બેંકની બેદરકારી
બેંકના ગ્રાહકને થયો કડવો અનુભવ
લોકરમાંથી 35 તોલા સોનુ થયું ગાયબ
બે દિવસ બાદ દીકરીના હતા લગ્ન
નરેન્દ્ર શાહે પોલીસ ફરિયાદ નોંધાવી
વડોદરા શહેરના વાઘોડિયા રોડ સ્થિત ખાતેની કોસ્મોસ કો.ઓ.બેંકના લોકર ધારક ગ્રાહકને કડવો અનુભવ થયો છે.જેમાં લોકરમાં મુકેલુ 35 તોલા સોનુ ગાયબ થઇ જતા આ મામલે પોલીસ ફરિયાદ દર્જ કરવામાં આવી છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ સ્થિત કોસ્મોસ કો.ઓ.બેંકની ગંભીર બેદરકારી સામે આવી છે,જેના કારણે બેંક સામે ગ્રાહકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.બન્યું એવું કંઈક હતું કે નરેન્દ્ર શાહ કોસ્મોસ કો.ઓ.બેંકમાં લોકર ધરાવે છે.અને આ લોકરમાં તેઓએ 35 તોલા સોનુ સુરક્ષિત રીતે મૂક્યું હતું.પરંતુ બે દિવસ બાદ દીકરીના લગ્ન પ્રસંગે હોય સોનાની તેઓને જરૂરિયાત હતી,તેથી તેઓએ કોસ્મોસ બેંકમાં લોકરમાંથી સોના ઘરેણા લેવા માટે ગયા હતા,જોકે લોકર ખોલતાની સાથે જ તેઓના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
કારણ કે જે સુરક્ષાના વિશ્વાસે તેઓએ કોસ્મોસ બેંકના લોકરમાં સોનુ મૂક્યું હતું,તે તેઓનો વિશ્વાસ તૂટી ગયો હતો,કારણ કે લોકરમાંથી સોનુ રહસ્યમય રીતે ગાયબ થઇ ગયું હતું.આ અંગે નરેન્દ્ર શાહ દ્વારા બેંક સત્તાધીશોને જાણ કરવામાં આવતા તેઓ પણ કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યા નહોતા.
આખરે નરેન્દ્ર શાહે ન્યાય માટે બાપોદ પોલીસ મથકના દ્વાર ખટખટાવ્યા હતા,અને પોલીસ ફરિયાદ દર્જ કરાવી હતી.પોલીસે તેઓની ફરિયાદને આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.