Connect Gujarat
વડોદરા 

વડોદરા : વિશ્વ ફલક પર ચિત્રકારને મળી આગવી ઓળખ, વૈશ્વિક સ્તરની હરાજીમાં ચિત્ર રૂ. 18 કરોડમાં વેચાયું

ભૂપેન ખખ્ખરના “બનિયન ટ્રી” પેઇન્ટિંગની વિશેષતા ચિત્રમાં જાહેર અને ખાનગી જીવનનું કલાત્મક સંતુલન આ ચિત્ર રૂ. 18 કરોડ વેચાયું

X

સંસ્કારીનગરી વડોદરાને ગુજરાતની કલાની રાજધાની કહેવામાં આવે છે. કોરોના સંક્રમણ બાદ મંદીમાંથી બહાર આવેલા કલા જગતમાં વડોદરા પોતાની હાજરી પુરાવી રહ્યું છે. શહેરના એક ચિત્રકારે તૈયાર કરેલું સ્વર્ગીય ભૂપેન ખખ્ખરનું ચિત્ર વૈશ્વિક સ્તરે યોજાયેલી હરાજીમાં મુકાતા આ ચિત્ર 18.81 કરોડ રૂપિયામાં વેચાયું છે.

'ધ બનયન ટ્રી' નામનું ઓઈલ કેનવાસ પેઈન્ટિંગ ભૂપેન ખખ્ખરે 1994માં બનાવ્યું હતું. ક્રિસ્ટિ (Christie)ના ઓક્શન હાઉસમાં તા. 23 માર્ચ 2022ના રોજ તેની હરાજી કરવામાં આવી હતી. ચિત્રમાં જોઈ શકો છો કે, કેટલાક લોકો વડના વૃક્ષ નીચે બેસીને એકબીજા સાથે વાતો કરી રહ્યા છે. તેની પાછળ પર્વતો જોવા મળે છે. ભૂપેન ખખ્ખરના ચિત્રો હંમેશાથી દેશ-વિદેશમાં વખણાયા છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી તેમના ચિત્રો વિક્રમજનક કિંમતે વેચાઈ રહ્યા છે, ત્યારે આ ચિત્ર માટે 18.81 કરોડ રૂપિયા અત્યાર સુધીમાં મળેલી સૌથી મોટી રકમ છે.

વડોદરાની સર્જન આર્ટ ગેલેરીના હિતેશ રાણાએ જણાવ્યુ હતું કે, વડોદરાના કલાકારોની કલાકૃતિઓ છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ સારી રકમ મેળવી રહી છે. ભૂપેન ખખ્ખરે ચિત્રકળાની કોઈ તાલીમ નહોતી લીધી. તેઓ જાતે જ શીખ્યા હતા તે ખૂબ સારી નિશાની છે. MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સમાં તેઓ મહત્વનું સ્થાન ધરાવતા હતા. ભૂપેન ખખ્ખરના ચિત્રોને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળવાનું શરૂ થતાં તેમણે વિદેશ પ્રવાસ પણ કર્યો હતો. 1976માં ભારત સરકાર આયોજિત કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ તેઓ પોતાના પહેલા વિદેશ પ્રવાસે ગયા હતા. ભૂપેન ખખ્ખર તેમના ચિત્રોમાં સામાન્ય લોકોના દૈનિક સંઘર્ષનું નિરૂપણ કરે છે. તેમના ચિત્રોની સરખામણી ઘણીવાર અંગ્રેજી ચિત્રકાર ડેવિડ હોકની સાથે થઈ છે. તેમના ચિત્રોને બ્રિટિશ મ્યૂઝિયમ અને USમાં પણ ડિસ્પ્લેમાં મુકવામાં આવ્યા છે. વર્ષ 2003માં 69 વર્ષની વયે વડોદરામાં જ ભૂપેન ખખ્ખરનું અવસાન થયું હતું.

Next Story