વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા વહીવટી તંત્ર અનેક પગલાં લઇ રહયું છે, ત્યારે કોરોના સંદર્ભે જિલ્લામાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા બેઠક વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ કે.એમ. ભીમજીયાણીએ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
સમગ્ર બેઠક દરમ્યાન સચિવ ભીમજીયાણીએ વલસાડ જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના બેડની વ્યવસ્થા, ઓક્સિજનની સગવડતા, દવાનો જથ્થો, ડોકટરોની વ્યવસ્થા, વેન્ટીલેટરની જરૂરિયાત, એડીશનલ કલેક્ટર કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી, વેક્સીનેશન, રાજ્ય બહારથી આવતા લોકોના ટેસ્ટ વગેરે બાબતોની ઝીણવટભરી સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. વલસાડ કલેક્ટર આર.આર.રાવલે જિલ્લાની સ્થિતિ અને કોરોના સંદર્ભે થઇ રહેલી કામગીરીથી સચિવને વાકેફ કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નિવાસી અધિક કલેક્ટર એન.એ.રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક મનોજ શર્મા, પ્રાયોજના વહીવટદાર બી.કે.વસાવા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વાય.ડી.ઝાલા, આરોગ્ય અધિકારી ડો. મનોજ પટેલ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.