વલસાડ: બોરીગામ ખાતે સુજલામ-સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો કરાયો શુભારંભ

વલસાડ: બોરીગામ ખાતે સુજલામ-સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો કરાયો શુભારંભ
New Update

સમગ્ર રાજ્‍યમાં પ્રારંભ થયેલા સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બોરીગામ ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો તાલુકા કક્ષાનો શુભારંભ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

આ અવસરે આદિજાતિ રાજ્‍ય મંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, રાજ્યના મુખ્‍યમંત્રીની પ્રેરણાથી ર૦૧૮ના વર્ષમાં શરૂ થયેલા સુજલામ સુફલામ જળ અભિયાનના ત્રણ તબક્કાઓમાં કરાયેલા અનેકવિધ કામો થકી લાખો ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી છે. વલસાડ જિલ્લામાં સુજલામ-સુફલામ યોજનાના સફળ પરિણામો મળ્‍યા છે, પાણીનું પ્રમાણ વધુ મળી રહેતાં આપણે ખેતી ક્ષેત્રે સ્‍વાવલંબી બન્‍યા છે અને ખેતીપાકોનું મબલખ ઉત્‍પાદન મેળવી શક્યા છીએ. ૨૦૨૧ના વર્ષમાં સુજલામ-સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કામાં સમગ્ર રાજ્‍યમાં ૧૮ હજાર કરતા વધુ કામો હાથ ધરવામાં આવનાર છે. તળાવો ઊંડા કરવા, નદી, નહેર, ચેકડેમ સાફ કરવામાં આવતા ત્‍યાં પાણીનો વધુ સંગ્રહ કરી શકાશે. જેના થકી સંબંધિત વિસ્‍તારોમાં પીવા અને ખેતી માટે પૂરતું પાણી મળી રહેશે, તેવી આશા તેમણે વ્‍યક્‍ત કરી હતી.

આ જળસંચય અભિયાનથી રાજ્‍યભરમાં પાણીના સંગ્રહમાં વધારો થવાથી ભૂગર્ભ જળસ્‍તર ઊંચા આવ્‍યા છે તેમજ સ્‍થાનિક કક્ષાએ ઘર વપરાશ, ઢોર-ઢાંખરને પીવાના પાણીની સમસ્‍યા હલ થવાની સાથે ખેત ઉત્‍પાદનમાં વધારો અને પર્યાવરણમાં પણ સુધારો થયો છે. સુજલામ-સુફલામ જળ અભિયાનના કામો અંતર્ગત ખોદાણમાંથી મળતી માટીનો વપરાશ આસપાસના પ્રગતિ હેઠળના સરકારી કામો, ખેડૂતોના ખેતરમાં તેમજ જાહેર કામોમાં કરવામાં આવે છે અને આ માટીના વપરાશ બદલ કોઇ પણ રોયલ્‍ટી ખેડૂતોએ ચુકવવાની રહેતી નથી. જેનો સંબંધિતોને લાભ લેવા પણ તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

આ અવસરે પ્રાંત અધિકારી સી.પી.પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મુકેશ પટેલ, મામલતદાર આર.આર.નાઘેરા, અગ્રણી પંકજ બોરલાઈવાલાએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. આ અવસરે, દમણગંગા વિભાગ સબ ડિવિઝન ભિલાડના નરેશ દાભડીયા, બોરીગામ સરપંચ સંદીપ પટેલ, એફ.સી.આઈ. સભ્‍ય હિતેશ સુરતી, ઉમરગામ સરપંચ સંઘના પ્રમુખ નરોત્તમ પટેલ સહિત આજુબાજુના ગામોના સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

#Valsad #Connect Gujarat News #Sujalam Sufalam Jal Abhiyan #Borigam
Here are a few more articles:
Read the Next Article