વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મેણધા-ધાકવાળ રસ્તા ઉપર નાનાપોઢા વન વિભાગની ટીમે લાખો રૂપિયાનો શીશમ અને સાગી લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મેણધા-ધાકવાળ રસ્તા ઉપર નાનાપોઢા વન વિભાગની ટીમે બાતમીના આધારે રાત્રે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ ટેમ્પો આવતા તેને રોકવા જતા ટેમ્પોચાલક પુર ઝડપે હંકારી ત્યાથી નાસી છૂટ્યો હતો. પરંતુ વન અધિકારીઓએ પીછો કરતા ઘાટવાળો અને ટેકરાવાળો રસ્તો હોવાથી ટેમ્પો ચઢ્યો ન હતો, ત્યારે ટેમ્પો ચાલક અંધારાનો લાભ લઈ ટેમ્પો ત્યાં જ મૂકીને ભાગી ગયો હતો. વન વિભાગની ટીમે ટેમ્પાની અંદર તપાસ કરતા પહેલી નજરે તો કંઈ લાગ્યું ન હતું. જેમાં ફક્ત ટેમ્પામાં ઘર વપરાશનો સામાન ભર્યો હોવાનું જોવા મળ્યું હતું. પરંતુ સામાન ઉતારીને ટેમ્પાની અંદર તપાસ કરતાં સંતાડી રાખેલો શીશમ અને સાગી લાકડાનો જથ્થો વિપુલ પ્રમાણમાં મળી આવ્યો હતો.
નાનાપોઢા વન વિભાગના અધિકારી અભિજીતસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા રાત્રી દરમ્યાન ટાટા ટેમ્પો નંબર GJ 15 T 5945માં ગેરકાયદેસર ભરીને તસ્કરી કરેલા શીશમના લાકડા નંગ 19 જેનું ઘન મીટર 0.637 કિંમત રૂપિયા 23,059/ રૂપિયા અને સાગી લાકડા નંગ 63 જેનું ઘન મીટર 2.189 કિંમત રૂપિયા 78,242/- અને ટેમ્પાની કિંમત 1,75,000/- મળી કુલ 2,77,301/-રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.