• ચૂંટણીના માહોલ વચ્ચે પારડી પોલીસની કાર્યવાહી

  • નશાના સોદાગરો પર ત્રાટકી પારડી પોલીસ

  • પોલીસ દ્વારા રૂ. 1.27 લાખનું હેરોઈન જપ્ત કરાયું

  • દોલત નગરમાં હેરોઈનનું વેચાણ ઝડપાયું,એકની ધરપકડ

  • નશાના નેટવર્કને તોડવા પોલીસ સજ્જ 

ચૂંટણીના માહોલમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એલર્ટ બનેલી વલસાડ જિલ્લાની પારડી પોલીસે બાતમીના આધારે એક મોટી સફળતા મેળવી છે. પારડીના પીઆઈ જી.આર. ગઢવી અને તેમની ટીમે પારડી દોલત નગર વિસ્તારમાં દરોડા પાડી રહેણાંક મકાનમાંથી લાખોની કિંમતનું નશીલું બ્રાઉન હેરોઈન ઝડપી પાડ્યું છે.

પારડીના દોલતનગર વિસ્તારમાં વિશ્રામ હોટલની પાછળ આવેલા અલીફ રો-હાઉસ (ઘર નં. 9)માં બ્રાઉન હેરોઈન વેચાણ સારુ લાવી રાખ્યું હોવાની બાતમી મળતા પારડી પોલીસ મથકના પીઆઈ જી. આર. ગઢવીએ તેમની ટીમ સાથે રેડ કરી હતી. તપાસ દરમિયાન અસફાક સફીઉલ્લા શેખ (ઉ.વ. 45)ના ઘરના બેડરૂમમાં રાખેલા લાકડાના કબાટમાંથી છૂટક વેચાણ માટે રાખવામાં આવેલો બ્રાઉન હેરોઈન 6 ગ્રામ 380 મિલીગ્રામ જેની કિંમત 1,27600નશીલો પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે અસફાકની ધરપકડ કરી બ્રાઉન હેરોઈન અને બે મોબાઈલ મળી કુલ 1,53,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું છે કેપકડાયેલ આરોપી અસફાક આ જથ્થો વડોદરાના બાજ (સરદાર) નામક શખ્સ પાસેથી વેચાણ કરવા માટે લાવ્યો હતો. હાલમાં વડોદરાના આ સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેની શોધખોળ તેજ કરી છે. પારડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઓમદેવસિંહ નિર્મળસિંહ ગોહિલની ફરિયાદના આધારેઆરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પીઆઈ ગઢવી કરી રહ્યા છે. ચૂંટણી ટાણે જ નશીલા પદાર્થોનો આ જથ્થો પકડાતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.