ગુજરાત સરકારની પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના
યોજના હેઠળ જરૂરિયાતમંદોને રાહતદરે અપાતી ખાદ્ય સામગ્રી
ગ્રાહક ભંડાર-પાંડેસરામાં કઠોળનો જથ્થો વાસી નીકળતા ચકચાર
તંત્ર દ્વારા તપાસ દરમિયાન સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો
જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી લોકમાંગ
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારમાંથી આપવામાં આવતું અનાજ મુદ્દતવિત એટલે કે, એક્સપાયરી ડેટવાળું નીકળતા ગ્રાહકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના’ એ ગુજરાત સરકારની વ્યાજબી ભાવની દુકાનો શરૂ કરવાની અને સસ્તા અનાજનું વિતરણ કરવાની યોજના છે. આ યોજના દ્વારા જરૂરિયાતમંદ નાગરિકોને રાહત દરે ખાદ્ય સામગ્રી મળે છે, ત્યારે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ખાતે ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ હેઠળ મોકલાયેલો કઠોળનો જથ્થો વાસી અને મુદ્દતવિત એટલે કે, એક્સપાયરી ડેટવાળું હોવાનું ખુલ્યું છે.
આંગણવાડી કાર્યકરોની તપાસ દરમિયાન સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. જોકે, આંગણવાડી કેન્દ્રો મારફતે સગર્ભા અને ધાત્રી માતાઓને અનાજનો આ જથ્થો વિતરણ થવાનો હતો, ત્યારે લોકોએ સગર્ભા મહિલાઓ અને નવજાત બાળકોના આરોગ્ય સાથે ચેડાંનો ગંભીર આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ, ઘટનાને લઈને ચકચાર મચી જતાં વહીવટી તંત્ર દોડતું થયું હતું. આ સાથે જ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી લોકમાંગ પણ ઉઠી છે.
