દિપાવલીના સપરમા દિવસે જ વલસાડ જિલ્લાના ધમડાચી ગામે આવેલી અને પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેકટરીમાં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. સદનસીબે કંપનીમાં કામદારોને રજા હોવાથી મોટી હોનારત થતાં અટકી હતી.
વલસાડ નજીક આવેલા ધમડાચીના પીરૂ ફળિયામાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ ફાટી નીકળી છે. દિવાળીના દિવસે સવારના સમયે શોર્ટ સર્કિટથી લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કંપનીમાં રહેલા પ્લાસ્ટિકના દાણા સળગવા લાગતાં ધૂમાડા ઊંચે સુધી ઉઠ્યાં છે. જેથી આસપાસમાં ભયનો માહોલ પેદા થયો છે. આગ લાગ્યાનો કોલ મળતાં જ ફાયરબ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
બીજી તરફ પોલીસ કાફલા દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડને કોઈ અડચણ ન આવે તે માટે કંપની તરફ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.ફાયરબ્રિગેડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગ પ્લાસ્ટિકના દાણામાં લાગી હોવાથી કાળા ધૂમાડા નીકળી રહ્યાં છે. આગ પર પાણીનો મારો ચલાવીને આગળ વધતી અટકાવીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં છે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તબક્કે કહી શકાય છે જે.પી.એન્ટરપ્રાઈઝ કંપનીમાં દિવાળીની રજા હોવાના કારણે કામ બંધ હોવાથી કામદારો નહોતા. જેના કારણે સદનસીબે આગ લાગી ત્યારે કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નથી.આગના ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી દેખાયાં હતાં.