/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/13151411/maxresdefault-148.jpg)
વલસાડ શહેરમાં પોલીસના ડર વિના તસ્કરો બિન્દાસ બન્યાં છે ત્યારે એક જ રાત્રીમાં 4 દુકાનો સહિત એક હોલસેલની દુકાનમાંથી 2 લાખનો મુદ્દામાલ ભરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.
વલસાડ શહેરમાં ચોરીના બનાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કોઈ પણ ડર વિના તસ્કરો ચોરીને અંજામ આપી પોલીસને ચેલેન્જ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓરવાડ ખાતે આવેલ કે.કે.એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં મોઢે કાળું કપડું બાંધી આવેલ 4 જેટલા તસ્કરો દુકાનના સટરનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા. જેમાં સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ, પાવડર જેવો સામાન જેની કિંમત આશરે 2 લાખ રૂપિયા જેટલી થાય છે. જેને તસ્કરો ટ્રકમાં ભરી ફરાર થઇ ગયા હતા. તો બીજી તરફ વલસાડના નાની ખત્રીવાડ વિસ્તારમાં આવેલ શ્વેતા ફેશન વેર, દિશા ફેશન અને બાઈ આવાબાઈ સ્કૂલ વિસ્તારમાં આવેલ આઈડિયા કેર અને સજાવટ નામની દુકાનમાં તસ્કરો ચોરી કરવા પ્રવેશ્યા હતા.
દિશા ફેશન અને સજાવટમાં દુકાનના શટર ન ખુલતા ચોરી નિષ્ફળ રહી હતી. જ્યારે આઈડિયા કેરમાંથી 30 હજાર કેશ ચોરાયા હતા અને શ્વેતા ફેશન વેરમાં 3થી 4 હજારની ચોરી થઈ હતી. હાલ તો તમામ દુકાનદારોએ બનાવના પગલે પારડી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલ સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. જેના આધારે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.