/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/510ebf4e-6bad-4e63-9848-eb2b1ad31558.jpg)
'ધર્મજ સિર્ફ નામ હી કાફી હૈ...' 12મી જાન્યુઆરીએ યોજાનારા ધર્મજ-ડેનાં સેલિબ્રેશન માટે માઈક્રો પ્લાનિંગ શરુ.
ગામડાની કલ્પના કરીએ તો, કોઈપણ પ્રકારના ટાઉન પ્લાનીંગ વિના આડેધડ બનેલા કાચા-પાકા મકાનોની હારમાળા, ધૂળની ડમરીઓ ઉડાડતા કાચા રસ્તા, ખુલ્લી અને ઉભરાતી ગટરો, ઠેર-ઠેર ઉકરડાં તથા ગંદકીનું સામ્રાજ્ય, વિજળી અને પાણી જેવી પ્રાથમિક જરૃરિયાતોની અછત તથા શિક્ષણ અને આરોગ્ય જેવી માળખાગત સુવિધાના અભાવ વચ્ચે અસુવિધા અને સંઘર્ષથી ભરપુર ગ્રામ્ય જીવનશૈલીની છબી માનસપટલ પર ઉપસી આવે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, ગુજરાતમાં એક એવુ ગામ છે કે, જેનો વતની તમને વિશ્વના કોઈપણ દેશમાં ચોક્કસ મળશે, આ ગામનું નામ છે ધર્મજ....દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ગામના વખાણ કરી ચુક્યાં છે અને વિકાસ માટે જે ગામનું અનુકરણ અન્ય ગામડાંઓએ કરવુ જોઈએ તેવુ પણ તેમણે કહ્યુ છે તેવા ધર્મજ ગામમાં 12મી જાન્યુઆરીના રોજ ધર્મજ-ડેની ઉજવણી કરવામાં આવશે.
ધર્મજ-ડેની ઉજવણી માટે દેશ-વિદેશમાં રહેતા 7000થી 8000 જેટલા ધર્મજિયનો હાજરી આપવાના છે. અહીં મોટાભાગના એનઆરઆઈ આવવાના હોવાથી હાલમાં તેની વ્યવસ્થા પણ પુરજોશમાં ચાલી રહી છે. જેના માઈક્રો પ્લાનીંગ માટેની ટીમ પણ હાલ ધર્મજમાં કાર્યરત થઈ ચુકી છે.
આ વખતે ધર્મજ-ડેની થીમ પીળા રંગ ઉપર આધારિત છે. જેથી ધર્મજ-ડેમાં શામેલ થનારા તમામ મહેમાનો પીળા રંગના કપડા પહેરશે. આ વખતે મુખ્ય મહેમાન તરીકે મૂળ ઉત્તરસંડાના વતની મુંબઈના ઉદ્યોગપતિ અને પૂર્વ શેરિફ ડો. મોહન પટેલ તથા બ્રિટીશ ડે. હાઈ કમિશનર જ્યોફ વેઈન ખાસ ઉપસ્થીત રહેવાના છે.
ધર્મજ સિર્ફ નામ હી કાફી હૈ....
- ધર્મજ ગામના લોકો પાછલા દસેક દાયકાથી Rural અને Urbanને બદલે Rurban જીવનશૈલી જીવી રહ્યા છે.
- ગામડાની પ્રાકૃતિક આબોહવા અને મેટ્રોસિટીની અત્યાધુનિક સુવિધાથી સજ્જ અનોખુ ગામ ધર્મજ.
- રસ્તા પર બળદગાડું અને ઘોડાગાડી સાથે બી.એમ.ડબલ્યુ તથા ઔડી જેવી ફોરેન કાર પણ જોવા મળશે.
- રોટલા અને શાક જેવા પારંપરિક ભોજન પિરસતી હોટલો અને પિઝા તથા બર્ગર જેવા ફાસ્ટ ફુડની ઈન્ટરનેશનલ રેસ્ટોરન્ટ પણ મળશે.
- ગામમાં સહકારી મંડળીઓથી માંડીને ફોરેન બેંકો, આયૂર્વેદિક દવાખાનાથી માંડીને કોર્પોરેટ હોસ્પિટલો પણ મૌજુદ છે.
- કૂવાનું શિતળ જળ પણ મળશે અને આર.ઓ ફિલ્ટરેશન પ્લાન્ટનું શુધ્ધ પાણી પણ મળશે.
અહીં, ખેતી અને પશુપાલન પણ થાય છે અને ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં ફેક્ટરીઓ પણ ધમધમે છે. અહીંના રાજમાર્ગો ઉપર બળદગાડા અને ઘોડાગાડી પણ ચાલે છે અને બીજી તરફ બી.એમ.ડબલ્યુ અને ઔડી જેવી મોંઘીદાટ ફોરેન કારો પણ દોડે છે. અહીં, ગામની સહકારી મંડળીઓ પણ કાર્યરત છે અને ફોરેન બેંકો પણ મૌજુદ છે. અહીં, આયૂર્વેદિક દવાખાના પણ છે અને કોર્પોરેટ હોસ્પિટલો પણ છે. અહીં, પ્રાથમિક શિક્ષણ આપતી આદર્શ સરકારી શાળાઓ પણ છે અને એન.આર.આઈ બાળકો માટે ઈન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલ પણ છે.
અહીં, કૂવાનું શિતળ પાણી પણ મળે છે અને ગ્રામ પંચાયત દ્વારા આર.ઓ ફિલ્ટરેશન પ્લાન્ટમાંથી ઘરેઘરે મિનરલ વોટર પણ પહોંચાડાય છે. અહીં, ક્રિએટિવ આર્કિટેક્ચર વાળા વૈભવી બંગલા પણ છે અને પુરાતનશૈલીથી બનેલી જૂના જમાનાની બેનમુન હવેલીઓ પણ છે. અહીં, રોટલા અને શાક જેવા પારંપરિક ભોજન પિરસતી હોટલો પણ છે અને પિઝા-બર્ગર સર્વ કરતી ઈન્ટરનેશનલ ફૂડ ચેઈન પણ છે. અહીં, અનેક પરિવારો એવા છે કે, જેમાં એક ભાઈ ખેતી કરીને વડિલોપાર્જિત મિલકતને સાચવે છે અને બીજો ભાઈ વિદેશમાં અથાગ પરિશ્રમ કરીને કુટુંબને આર્થિક સધ્ધરતા તરફ દોરી જાય છે.
પરંતુ, સૌથી મહત્વની વાત એ છે કે, ધર્મજના લોકોમાં પારિવારીક મૂલ્યો, વડિલોનું સન્માન, બાળકો પ્રત્યેનો પ્રેમ, ગરીબો માટે દયાનો ભાવ, સમાજ માટે આદર, પોતાના ગામ માટે ગર્વની લાગણી અને વતન પરસ્તીની ભાવના અકબંધ છે. સમગ્ર વિશ્વમાં આ એક માત્ર ગામ હશે કે, જેના ભૂગોળ, ઈતિહાસ, વર્તમાન અને ભવિષ્ય ઉપર પુસ્તક અને કોફિ ટેબલ બુક પણ પ્રકાશિત થઈ ચુક્યાં છે. એટલુ જ નહીં, ગામની પોતાની વેબસાઈટ, ગામનું અલાયદુ ગીત અને લોગો પણ છે.
અમારે તો ભાઈ ફોરેનમાં જવુ જ પડે...
- વિશ્વના કોઈપણ નાના-મોટા દેશમાં ધર્મજનું એકાદ પરિવાર તો મળી જ જાય.
- ધોરણ-12 પાસ થયા કે, સીધા વિઝા લેવા એમ્બેસી ઉપડી જવાનું.
- વર્ષ 1895થી ધર્મજના લોકો વિદેશમાં જઈ રહ્યા છે.
- આફ્રિકાથી પાછા આવીને લગ્ન કરીએ તો પરમિટીયાં લગ્ન કહેવાય.
વિદેશમાં વસતા ધર્મજીયન પાછા આવે તો નવુ ગામ વસાવવુ પડે.
ધર્મજ ગામમાં હાલમાં દસ હજાર જેટલા લોકો વસવાટ કરે છે. પરંતુ, ગામના આગેવાનો કહે છે કે, ધર્મજના બે હજારથી વધુ પરિવારો વિશ્વના અન્ય દેશોમાં વસવાટ કરી રહ્યા છે. જો, બધ્ધા જ પાછા આવે તો ધર્મજની બાજુમાં બીજુ નવુ ગામ ડેવલોપ કરવુ પડે. ધર્મજના ડેવલોપમેન્ટ પાછળ સ્થાનીક લોકોની કર્તવ્યનિષ્ઠા, ઈમાનદારી, પરિશ્રમ અને પારદર્શી વહિવટ સાથે વિદેશમાં વસતા ધર્મજીયનોનું આર્થિક યોગદાન મહત્વનું છે.
કે.જીથી પી.જી સુધીનો અભ્યાસ ગામમાં જ થઈ જાય બહાર જવું જ ના પડે.
વિદેશગમનનું આકર્ષણ ધરાવતા ધર્મજના લોકો બાળકોના શિક્ષણ ઉપર ખાસ ધ્યાન આપી રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, વર્ષ 1904માં ઝવેરભાઈ ડુંગરભાઈ પટેલ નામના એડવોકેટે ધર્મજમાં ધોરણ-1થી ધોરણ-3 સુધીની અંગ્રેજી માધ્યમની શાળા શરૃ કરી હતી. તે સમયે વિદ્યાર્થીઓની સંખ્યા 70 જેટલી હતી. જ્યારે વર્ષ 1955માં આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 510 હતી. હાલમાં ધર્મજમાં સમાજના દરેક તબખા માટે જુદીજુદી સ્કૂલો મૌજુદ છે. અહીં, વિદ્યાર્થીઓ કે.જીથી માંડીને પી.જી સુધીનો અભ્યાસ કરી શકે છે અને તેના માટે તેને બીજા કોઈ શહેર અથવા ગામમાં જવુ પડતુ નથી. પોતાના ગામમાં તેને સંપૂર્ણ એજ્યુકેશન મળી જાય તેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે. ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે ખાસ લાઈબ્રેરીની સુવિધા પણ છે.