“વારલી ચિત્રકળા” : જુઓ, ડાંગના પર્વતીય વિસ્તારમાં રહેતા વારલી સમાજના લોકોની પરંપરાગત ચિત્રકળા

New Update
“વારલી ચિત્રકળા” : જુઓ, ડાંગના પર્વતીય વિસ્તારમાં રહેતા વારલી સમાજના લોકોની પરંપરાગત ચિત્રકળા

વારલી ચિત્રકળા એ ગુજરાત રાજ્યના ડાંગ, વાંસદા, ધરમપુર અને તેને અડીને આવેલ મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારમાં રહેતા વારલી સમાજના લોકોની પરંપરાગત ચિત્રકળા છે. ડાંગ જિલ્લામાં ચોખાના લોટથી બનાવેલ સફેદ રંગ દ્વારા લાલ રંગની દીવાલ ઉપર પ્રસંગો મુજબ ચિત્ર બનાવવામાં આવે છે, ત્યારે વઘઈ તાલુકાના ભવાડી ગામે રહેતા એક ચિત્રકારે વિવિધ આકાર આપી સુંદર ચિત્રો બનાવ્યા છે. જે ચિત્રોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.

વારલી સમાજમાં જેના ઘરે શુભ પ્રસંગ કે, તહેવાર હોય ત્યારે લાલ રંગના ગેરુ વડે રંગાયેલ કાચી છાણ માટીની લીપણવાળી ભીત પર ચોખાના લોટ સાથે ગુંદર ભેળવીને બનાવવામાં આવેલ સફેદ રંગ વડે પ્રસંગો અનુરૂપ ચિત્રો દોરવાની પરંપરા છે. ખેતરમાં નવા પાક આવતા પણ લોકો ઘરોમાં સુંદર ચિત્રો ચીતરાવી ઉત્સવ મનાવે છે. ડાંગ જીલ્લાના નાનકડા ભાવાડી ગામમાં રહેતા જયેશ મોકાસી વર્ષોથી આ ચિત્રો બનાવે છે. જોકે જયેશ મોકાસીએ પરંપરાગત ચિત્રકળાને નવું રૂપ આપ્યું છે. ચોખામાંથી બનતા રંગના બદલે તેઓ હવે પાકા એક્રેલિક કલરનો ઉપયોગ કરે છે. તો સાથે જ કાચી દીવાલના બદલે કેનવાસ ઉપર ચિત્રો દોરે છે. જયેશ મોકાસીએ હાલ તેમના ઘરને એક આર્ટ ગેલેરી તરીકે વિકસાવ્યું છે. જ્યાં નાના મોટા અસંખ્ય  ચિત્રો જોવા મળે છે.

જોકે, હજારો વર્ષ જૂની આદિવાસીઓની આ સાંસ્કૃતિક કળા લોકોને એટલી પસંદ છે કે, જંગલ વિસ્તારથી નીકળી હવે શહેરોની મોટી હોટલો, જાહેર સ્થળોમાં અને સરકારી કચેરીઓમાં પણ આ ચિત્રકળા શુસોભન માટે મુકવામાં આવે છે. બદલાતા સમય સાથે લુપ્ત થતી આ ચિત્રકળાને ડાંગના જયેશ મોકાસીએ જાળવી રાખી છે. તો સાથે જ તેમના દીકરા કિરણ મોકાસીને પણ આ કળામાં પારંગત બનાવી સંસ્કૃતિની રક્ષા કરવા પ્રયત્નો કર્યા છે. પ્રકૃતિને માનનારા આદિવાસીઓ છાણ માટીના ઉપયોગથી બનેલી ભીત ઉપર ચોખામાંથી બનાવેલ રંગનો ઉપયોગ કરતા હતા. જોકે ચિત્રને લાંબા સમય સુધી ટકાવી રાખવા કેનવાસ અને એક્રેલિક કલરનો ઉપયોગ કરવામાં આવે છે. કિરણ મોકાસીના બનાવેલ ચિત્રોની આજે દેશ વિદેશમાં માંગ છે. હાલમાં જ અમદાવાદ ખાતે આવેલ એન્ટી કરપ્શન બ્યુરોની કચેરીમાં એક દીવાલ કિરણ મોકાસીએ તૈયાર કરેલું વારલી પેન્ટિંગ કચેરીની શોભા વધારે છે.

હવે તમે જ્યારે પણ ડાંગ જિલ્લામાં સાપુતારાના પ્રવાસે જાવ ત્યારે વઘઈ તાલુકાના ભવાડી ગામે જયેશ મોકાસીના ઘરની મુલાકત અવશ્ય લેજો, ત્યાં તમને આવા અનેક ચિત્રો જોવા મળશે. સાથે જ તમારા ઘરની શોભા વધારવા તમે એ ચિત્રોની ખરીદી કરી લેશો. જેથી આવું કરવાથી તમે પણ આ પરંપરાગત ચિત્રકળાને સાચવવામાં મદદરૂપ થઇ શકશો.

Latest Stories