રાજ્યમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 72 કલાકમાં કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં હાડ થીજવતી ઠંડી પડે તેવી શક્યતા વર્તાઇ રહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 2 દિવસ તાપમાન 7 ડિગ્રી સુધી ગગડી શકે છે. નલિયામાં 2 ડિગ્રી સાથે બરફ જામેલો જોવા મળ્યો છે. તો સાથે જ આગામી 3 દિવસ માટે કોલ્ડવેવની આગાહી પણ કરવામાં આવી છે. જેમાં કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ જેવા અન્ય શહેરોમાં ઠંડી વધુ પડવાની આગાહી કરવામાં આવી છે.
દેશના ઉત્તર ભાગમાં હિમવર્ષના પગલે રાજ્યમાં આગામી 72 કલાક સુધી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. આમ રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી શકે તેમ છે. રાજ્યના મોટાભાગના શહેરો ઠંડાગાર જોવા મળ્યાં છે. કડકડતી ઠંટીએ લોકોને પણ ધ્રુજાવી દીધા છે. શીતલહેર વચ્ચે વાતાવરણ ઠંડુગાર બન્યું છે, ત્યારે લોકો ગરમ કપડા પહેરી તાપણા કરતાં જોવા મળ્યા છે. તો નલિયા અને ડીસા લોકો કાતિલ ઠંડીથી ઠુંઠવાયા છે.
રાજ્યમાં છેલ્લા 2 દિવસની કડકડતી ઠંડીના કારણે ડીસામાં પારો 5 ડિગ્રી આસપાસ પહોંચી ગયેલો જોવા મળ્યો છે. જેના કારણે ઠંડીમાં લોકો ઠુંઠવાયા, તો અમદાવાદમાં 7 ડિગ્રી, નલિયામાં 2 ડિગ્રી, ભુજમાં 8 ડગ્રી, ડીસામાં 5 ડીગ્રી, ગાંધીનગરમાં 7 ડિગ્રી, રાજકોટમાં 7 ડિગ્રી જ્યારે જુનાગઢમાં 8 ડિગ્રી નોંધાયું છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ હજી હાડ થીજવતી ઠંડી પડે તેવી શક્યતા વર્તાઇ રહી છે.