Connect Gujarat
Featured

પાણીની વિકટ પરિસ્થિતી વચ્ચે “વિશ્વ જળ દિવસ” ની ઉજવણી

પાણીની વિકટ પરિસ્થિતી વચ્ચે “વિશ્વ જળ દિવસ” ની ઉજવણી
X

વિશ્વ જળ દિવસ, દર વર્ષે 22 માર્ચના રોજ આ દિવસને મનાવવામાં આવે છે. આજે પણ આ દિવસને મનાવવામાં આવી રહ્યો છે ત્યારે વિશ્વમાં પાણીની શું પરિસ્થિતી છે તે સમજવી ખૂબ જરૂરી છે. પીવાના પાણીની અછત દુનિયાભરમાં વર્તાઇ રહી છે. વિશ્વની મોટી જન સંખ્યા આજે પણ દૂષિત પાણી પીવા મજબૂર છે.

જોઈએ કેમ મનાવવામાં આવે છે વિશ્વ જળ દિવસ…

પાણી એ આપણા માટે એક વારસો છે જેને આવનારી પેઢી માટે જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. પાણી વિના જીવન શક્ય નથી. એવું કહેવાય છે કે મનુષ્ય ખોરાક વિના જીવી શકે છે પરંતુ પાણી વિના જીવી શકશે નહીં. અને એટ્લે જ કહેવત છે કે, જળ એજ જીવન. જો કે, લોકો આ સમજી શકતા નથી અને તેઓ પાણી બચાવવાને બદલે બગાડ કરવામાં લાગ્યા હોય છે. લોકોએ પાણીનું મહત્વ સમજવાનું છોડી દીધું છે.

વિશ્વને પાણીની જરૂરિયાત સમજાવવાનાં હેતુથી જ વિશ્વ જળ દિવસની ઉજવણીની પ્રથા શરૂ થઈ છે. ફિલોસોફર થેલેસે સેંકડો વર્ષ ઈસા પૂર્વે કહ્યું હતું કે પાણી એ બધી ભૌતિક વસ્તુઓનું કારણ છે અને સમસ્ત પ્રાણી જીવનનો આધાર છે, પરંતુ હવે લોકો આ વાતને મહત્વ આપી રહ્યા નથી. એટ્લે દુ:ખ સાથે કહેવું જોઇએ કે ભારત સહિત આખું વિશ્વ ત્યારથી અત્યાર સુધી આ અમૂલ્ય વારસો બચાવવામાં નિષ્ફળ ગયું છે. આ કારણોસર, દર વર્ષે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વને પાણીની જરૂરિયાતથી વાકેફ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વ જળ દિવસની ઉજવણી શરૂ કરી હતી. 1992 માં, રિયો ડી જેનેરિયોમાં આયોજિત પર્યાવરણ અને વિકાસના પરિપ્રેક્ષ્યથી, સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં વિશ્વ જળ દિવસની ઉજવણીની શરૂઆત કરાઇ હતી. જેનું આયોજન પ્રથમવાર 22 માર્ચ, 1993 ના રોજ થયું હતું. વિશ્વ જળ દિવસની ઉજવણીનો હેતુ વિશ્વને એ બતાવવાનું છે કે પાણીને બચાવવું કેટલું મહત્વપૂર્ણ છે. તે આપણો મૂળભૂત સંશાધન છે, તેનાથી ઘણા કાર્યો સંચાલિત થાય છે. અને તેના અભાવથી અતિશય પ્રવૃત્તિ ઠપ થઈ શકે છે. લોકોને જણાવવું કે પાણી વિના તેમના અસ્તિત્વ પર સંકટ વધુ ઘેરાઈ શકે છે, તે તેનો મૂળ હેતુ છે.

પાણીથી જોડાયેલ કેટલાક તથ્યો

સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, 3 માંથી 1 વ્યક્તિ પીવાના પાણી વિના જીવે છે. 2025 સુધીમાં વિશ્વની અડધી વસ્તી પાણીથી વિકટ વિસ્તારોમાં રહેતી હશે. વિશ્વમાં લગભગ ૨.૨ બિલિયન લોકો સુરક્ષિત પાણીની પહોંચથી દૂર જીવે છે. આપણી પૃથ્વીનો ત્રણ ચોથાઈ ભાગ પાણીથી ઢંકાયેલો છે. પરંતુ શું તમે જાણો છો કે આ પાણીનો 99% હિસ્સો પીવા યોગ્ય નથી. અને પીવાલાયક પાણી પૃથ્વી પર માત્ર 1% છે. વિશ્વનું 90 ટકા શુદ્ધ અને તાજુ પાણી એન્ટાર્કટિકામાં જોવા મળે છે.

આપણે સૌથી વધુ પાણીનો ઉપયોગ ઘરના બાથરૂમમાં કરીએ છીએ. ઉદાહરણ તરીકે, 6 લિટર પાણી એક વખત ફ્લશ થવા પછી વહી જાય છે. તંદુરસ્ત વ્યક્તિના શરીરનો 70% ભાગ પાણીથી બનેલો છે. કોલેરા અને પેટ સંબંધિત 90% રોગો પાણીના દૂષણને કારણે છે. જો માનવ શરીરમાં 10% પાણીનો અભાવ હોય, તો તે મૃત્યુ પામી શકે છે. માનવ રક્તનું 83 ટકા ભાગ પાણીથી બનેલું છે. આફ્રિકાના ગામોમાં લોકોને પાણી મેળવવા માટે લગભગ 10 કિલોમીટર સુધી જવું પડે છે.

Next Story