આદિવાસી સમાજના અગ્રણી નેતા અને પૂર્વ વન મંત્રી મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે નિધન થયું છે. તે લાંબા સમયથી બીમાર હતા. 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો રેકોર્ડ ધરાવતા આ દિગ્ગજ નેતાના અવસાનથી છોટાઉદેપુર સહિત સમગ્ર રાજ્યના રાજકીય જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
મોહનસિંહ રાઠવા ગુજરાતના સૌથી સિનિયર અને લોકપ્રિય આદિવાસી નેતાઓમાંથી એક હતા. તેમની રાજકીય સફર અદભુત રહી છે. તે પોતાના લાંબા રાજકીય જીવન દરમિયાન છોટાઉદેપુર અને પાવીજેતપુર બેઠક પરથી અલગ-અલગ ટર્મમાં કુલ 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ગુજરાત સરકારમાં પૂર્વ વનમંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી હતી અને આદિવાસી વિસ્તારોના વિકાસ માટે યોગદાન આપ્યું હતું.
મોહનસિંહ રાઠવાની ઓળખ માત્ર એક રાજકારણી તરીકેની નહીં, પરંતુ આદિવાસી સમાજના હક્કો માટે લડતા એક મજબૂત અગ્રણી તરીકેની હતી. જમીન સાથે જોડાયેલા આ નેતા લાંબા સમયથી નાદુરસ્ત તબિયતના કારણે સક્રિય રાજકારણથી થોડા દૂર હતા અને બીમારી સામે લડી રહ્યા હતા, જે બાદ આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
