ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે અલગ-અલગ ત્રણ ગુનાઓમાં કામગીરી હાથ ધરી શંકાસ્પદ કોપર વાયરના ભંગાર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો, જ્યારે નોકરી ચોરીના ગુનામાં છેલ્લા સાત મહિનાથી નાસતો ફરતો આરોપી તથા નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ સજા પામ્યા બાદ નવ મહિનાથી ફરાર આરોપીને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે દાંડીયાબજાર મચ્છી માર્કેટ વિસ્તારમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે બ્લુ ટી-શર્ટ પહેરેલા એક શખ્સને 18 કિલોગ્રામ શંકાસ્પદ કોપર વાયરના ભંગાર સાથે ઝડપી પાડ્યો હતો.રૂપિયા 18 હજારની કિંમતના કોપર વાયર અંગે સંતોષકારક પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેતા પોલીસે ભંગાર કબજે કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં રાકેશ દિલીપભાઈ સંઘવી (રહે. ભાલીયાવાડનો ટેકરો, ભરૂચ)ની ધરપકડ કરવામાં આવી છે.

બીજી કાર્યવાહીમાં સર્વેલન્સ ટીમે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે નોકરી ચોરીના ગુનામાં છેલ્લા સાત મહિનાથી નાસતા ફરતા આરોપી મિલન ઉર્ફે જીત દાસ (રહે. હુગલી, પશ્ચિમ બંગાળ)ને શોધી કાઢી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત ત્રીજી કાર્યવાહીમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ કોર્ટ દ્વારા બે વર્ષની સાદી કેદની સજા ફટકારાયા બાદ છેલ્લા નવ મહિનાથી ફરાર રહેલા અક્ષય પ્રવીણભાઈ પરમાર (રહે. સાબુઘર ઝૂંપડપટ્ટી, શક્તિનાથ, ભરૂચ)ને ઝડપી પાડી ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.