/connect-gujarat/media/media_files/2025/11/28/artificial-inteligence-2025-11-28-13-26-51.jpg)
અમેરિકામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઝડપથી વધી રહેલો પ્રભાવ હવે કામકાજના ક્ષેત્રમાં મોટા ફેરફારની દિશામાં આગળ વધી રહ્યો છે. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (MIT)ના નવા અભ્યાસ મુજબ, AI ટેકનોલોજી દેશમાં કુલ નોકરીઓમાંથી લગભગ 12 ટકા નોકરીઓનું સ્થાન લે તેવી ક્ષમતા ધરાવે છે. આ ખતરાની વચ્ચે એક મહત્વપૂર્ણ પાસું એ છે કે, ફાઈનાન્સ, હેલ્થકેર, પ્રોફેશનલ સર્વિસિઝ અને ઓફિસ એડમિનિસ્ટ્રેશન જેવા મોટા ક્ષેત્રો સૌથી વધુ અસર હેઠળ આવી શકે છે. રિપોર્ટ મુજબ, AIનો અસરકારક ઉપયોગ કરવામાં આવે તો અમેરિકાની અર્થવ્યવસ્થા લગભગ 1.2 ટ્રિલિયન ડોલર (રૂપિયા 99.6 લાખ કરોડથી વધુ) જેટલી વિશાળ બચત મેળવી શકે છે, જે આવતા દાયકામાં મોટા આર્થિક પરિવર્તનો લાવી શકે છે.
આ અભ્યાસ MIT અને ઓક રિજ નેશનલ લેબોરેટરી દ્વારા ડિઝાઇન કરાયેલા લેબર સ્ટિમ્યૂલેશન ટૂલ ‘આઈસબર્ગ ઈન્ડેક્સ’ના આધારે કરવામાં આવ્યો હતો. જેમાં અમેરિકાની 15.1 કરોડ વર્કફોર્સનું સ્કીલ, ટાસ્ક, ઓક્યુપેશન અને લોકેશનના આધારે મૅપિંગ કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં 3,000 કાઉન્ટીઓમાં ફેલાયેલા 923 પ્રકારના વ્યવસાયો અને 32,000 થી વધુ સ્કિલ્સનો વિશાળ ડેટાબેઝ તૈયાર કરાયો હતો.
આ વિશ્લેષણ મુજબ, અત્યાર સુધી AI ટેકનોલોજી દ્વારા મુખ્યત્વે ટેક, કમ્પ્યુટિંગ અને ઈન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રોમાં માત્ર આશરે 2.2 ટકા જેટલો જ અસરકારક બદલાવ જોવા મળ્યો છે, જે લગભગ 17.53 લાખ કરોડ રૂપિયાની બચત જેટલો છે. પરંતુ રિપોર્ટનો દાવો છે કે, જો AI સિસ્ટમ્સને યોગ્ય રીતે વિવિધ ડિપાર્ટમેન્ટમાં અપનાવવામાં આવે તો અમેરિકામાં 8.2 ટ્રિલિયન ડોલર (રૂપિયા 820.7 લાખ કરોડથી વધુ) ની વધારાની બચત શક્ય બની શકે છે.
રિસર્ચ અનુસાર, હ્યુમન રિસોર્સિસ, લોજિસ્ટિક્સ, ફાઈનાન્સ અને એડમિનિસ્ટ્રેટિવ કાર્ય જેવા ક્ષેત્રોમાં AI માનવ કર્મચારીઓને સહાય કરી શકે છે. ખાસ કરીને, હેલ્થકેર ક્ષેત્રમાં AIનો વધતો ઉપયોગ શિડ્યુલિંગ, ઈન્સ્યોરન્સ ક્લેઈમ પ્રોસેસિંગ અને અન્ય એડમિનિસ્ટ્રેટિવ કામો માટે થઈ રહ્યો છે, જેના પરિણામે હેલ્થ સેન્ટર્સ અને ક્લિનિક્સ દર્દીઓની સંભાળ પર વધુ ફોકસ કરી શકે છે. MITની ટીમે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ મોટા પ્રમાણમાં છટણીની આગાહી કરી રહી નથી, પરંતુ બતાવી રહી છે કે AI સિસ્ટમ્સ કેવી રીતે વર્તમાન નોકરીઓને બદલવામાં લાગેલી છે અને કામના સ્વરૂપમાં ધીમે ધીમે પરિવર્તન લાવી રહી છે.