ન્યુઝીલેન્ડમાં આજે સવારે જોરદાર ભૂકંપ આવ્યો હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2 માપવામાં આવી છે. ભારતીય સમય અનુસાર આજે સવારે 6.11 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ ન્યુઝીલેન્ડના કર્માડેક ટાપુઓ પર આવ્યો હતો.
NCS મુજબ, તેનું કેન્દ્ર જમીનની નીચે 10 કિલોમીટરની ઊંડાઈ પર હતું. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આ તરફ યુએસજીએસ અનુસાર આ ભૂકંપના લગભગ 20 મિનિટ પછી એટલે કે 6:53 વાગ્યે કર્માડેક ટાપુએ જ ફરીથી ભૂકંપનો અનુભવ થયો છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 39 કિલોમીટર ઊંડે હતું.
ન્યુઝીલેન્ડના કર્માડેક ટાપુઓ ભૂકંપનું કેન્દ્ર રહે છે. ગયા મહિને ન્યુઝીલેન્ડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 16 માર્ચે અહીં આવેલા ભૂકંપની તીવ્રતા 7.0 માપવામાં આવી હતી. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર આ ભૂકંપ ન્યુઝીલેન્ડમાં ચીનના સમય મુજબ રાત્રે 8.56 કલાકે આવ્યો હતો.