અમેરિકામાં રવિવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અમેરિકાના દક્ષિણ ટેક્સાસમાં એક ચાલકે બસ સ્ટોપ પર ઉભેલા લોકો પર કાર ચડાવી દીધી હતી. આ અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં એક રેન્જરોવર કારના ચાલકે એક પ્રવાસી આશ્રયસ્થાનની બહાર સિટી બસ સ્ટોપ પર બસની રાહ જોતા લોકોને અડફેટે લીધા હતા. હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ માત્ર અકસ્માત હતો કે જાણી જોઈને કરવામાં આવેલું કૃત્ય હતું.
બ્રાઉન્સવિલે પોલીસ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં સર્જાયેલા આ અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા છે. આરોપી ડ્રાઈવરની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આરોપીને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેના પર બેદરકારીથી ડ્રાઇવિંગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.