Connect Gujarat
દુનિયા

આસિફ અલી ઝરદારી બીજી વખત બન્યા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ

આસિફ અલી ઝરદારી બીજી વખત બન્યા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ
X

પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે શનિવારે જ મતદાન થયું હતું, ત્યારબાદ મતગણતરી કરવામાં આવી હતી. મતગણતરી બાદ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા આસિફ અલી ઝરદારીને 411 મતોથી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે તેમના હરીફ મહમૂદ અચકઝાઈને માત્ર 181 વોટ મળ્યા છે. નવા રાષ્ટ્રપતિ આસિફ ઝરદારી વર્તમાન રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીનું સ્થાન લેશે, જેમનો પાંચ વર્ષનો કાર્યકાળ ગયા વર્ષે પૂર્ણ થયો હતો. આસિફ અલી ઝરદારી લગભગ 11 વર્ષ બાદ ફરીથી પાકિસ્તાનના સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચ્યા છે. આસિફ ઝરદારી સપ્ટેમ્બર 2008 થી 2013 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. હવે બીજી વખત તેઓ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા છે.

આસિફ ઝરદારીને નેશનલ એસેમ્બલીમાં કુલ 255 વોટ મળ્યા છે. બીજા ક્રમે આવેલા મહેમૂદ અચકઝાઈને 119 વોટ મળ્યા હતા. આસિફ ઝરદારીને નેશનલ એસેમ્બલી અને ચાર પ્રાંતોમાં કુલ 411 ઈલેક્ટોરલ વોટ મળ્યા, જ્યારે અચકઝાઈને કુલ 181 વોટ મળ્યા. પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર, ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના સમર્થનથી પાકિસ્તાનની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આસિફ અલી ઝરદારી સામે ચૂંટણી લડનારા મહમૂદ ખાન અચકઝાઈએ કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને પંજાબમાં મજબૂત મત મેળવ્યા હતા, પરંતુ તેમ છતાં તેઓ ચૂંટણી જીતવાથી દૂર રહ્યા. તેમણે ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવીને દરમિયાનગીરી માટે કોર્ટને પણ અપીલ કરી હતી, પરંતુ કોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.

Next Story