ચીનનું હાઇપરસોનિક યુનશિંગ એરક્રાફ્ટ: માત્ર 7 કલાકમાં કરશે પૃથ્વીની પરિક્રમા

બેઇજિંગસ્થિત એરોસ્પેસ કંપની લિંગકોંગ ટિયાનશિંગ એવું હાઇપરસોનિક પેસેન્જર પ્લેન વિકસાવી રહી છે, જે મેક-16 (અવાજની ગતિ કરતાં 16 ગણી ઝડપ) સુધી ઉડી શકે.

New Update
paln

અંતરરાષ્ટ્રીય ઉડ્ડયન જગતમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા ચીન ઝડપથી આગળ વધી રહ્યું છે.

બેઇજિંગસ્થિત એરોસ્પેસ કંપની લિંગકોંગ ટિયાનશિંગ એવું હાઇપરસોનિક પેસેન્જર પ્લેન વિકસાવી રહી છે, જે મેક-16 (અવાજની ગતિ કરતાં 16 ગણી ઝડપ) સુધી ઉડી શકે. આ વિમાનનું નામ યુનશિંગ છે અને તેની ગતિ એટલી અદ્દભૂત હશે કે તે માત્ર સાત કલાકમાં પૃથ્વીની પરિક્રમા પૂર્ણ કરી શકશે. જો આ પ્રોજેક્ટ આયોજન મુજબ સફળ થાય, તો લાંબા અંતરના હવાઈ પ્રવાસમાં ઐતિહાસિક પરિવર્તન જોવા મળશે.

હાલે લન્ડનથી ન્યુયોર્ક જવામાં 7 થી 8 કલાક લાગે છે. પરંતુ યુનશિંગ સાથે આ અંતર માત્ર દોઢ કલાકમાં પૂરું થઈ શકશે. એક સમયે સુપરસોનિક કોન્કોર્ડ વિમાન ન્યુયોર્કથી લન્ડન ત્રણ કલાકથી ઓછામાં પહોંચાડતું હતું, હવે ચીનનું આ પ્લેન તેને પણ પાછળ મૂકી દેશે એવી શક્યતા છે. વિશ્વ સ્તરે ટેક્નોલોજીમાં ચીનની દોડને ધ્યાનમાં લેતા આ પ્રોજેક્ટ ઘણી રાષ્ટ્રો માટે પડકારરૂપ બની શકે છે.

આ યુનશિંગ વિમાનનું પ્રથમ પરીક્ષણ ઓક્ટોબરમાં મેક-4(3069 માઇલ પ્રતિ કલાક)ની ઝડપે સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવેમ્બરમાં વધારાના એન્જિન ટ્રાયલ્સ યોજાયા હતા. કંપનીનાં જણાવ્યા મુજબ દરેક નવા ટ્રાયલ સાથે તે તેના લક્ષ્ય એટલે કે મેક-16ની ઝડપ પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહી છે. આ ટેકનોલોજી સાકાર થતાં જ હાઇપર સોનિક એર ટ્રાવેલ માનવજીવનની ગતિ બદલી નાખશે.

વિશ્વમાં હાઇપરસોનિક વિમાનો પર અનેક પ્રયોગો ચાલી રહ્યા છે. ઓસ્કર વિનાલ્સનાં A-HY(M) વિમાનની ગતિ અવાજથી પાંચ ગણી છે, જ્યારે NASA X-59 પણ નવી પેઢીના સુપરસોનિક ટ્રાવેલ માટે તૈયાર થઈ રહ્યું છે. ચીનની COMAC કંપની એવા એન્જિન વિકસાવી રહી છે કે જે અવાજની ગતિએ ઉડતાં હોવા છતાં પણ કારના એન્જિન કરતાં ઓછો અવાજ કરે. Venus Aerospace તો લન્ડનથી ન્યુયોર્કનું અંતર માત્ર એક કલાકમાં પૂર્ણ કરવા માગે છે.

આ તમામ વિકાસોથી સ્પષ્ટ છે કે વિશ્વ હવે સુપરસોનિક નહીં, પરંતુ હાઇપરસોનિક યુગમાં પ્રવેશી રહ્યું છે. ટૂંક સમયમાં અવાજની ગતિ કરતાં અનેક ગણી ઝડપે પ્રવાસ કરવાનું સપનું હકીકત બની શકે છે.

Latest Stories