દેશ-દુનિયામાં અનેક જગ્યાએ કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. તાજેતરમાં મોરક્કોમાં વિનાશક ભૂકંપે માનવજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. આ ઉપરાંત આફ્રિકન દેશ લિબિયામાં એક કુદરતી આફતે પોક મૂકી છે. લિબિયામાં આવેલ વિનાશક તોફાન અને પૂરના કારણે ભારે તબાહી મચી છે.
દેશના પૂર્વી દરિયાકાંઠાના શહેરોમાં પૂરને કારણે 2000થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો લાપતા છે. પૂર્વી લિબિયાના વડાપ્રધાન ઓસામા હમાદે આ ઘટના અંગે જણાવ્યું કે, ડેરના શહેરમાં ભારે પૂરને કારણે વિનાશક સ્થિતિનું સર્જન થયું છે. અહીં અત્યાર સુધીમાં 2,000 લોકોના મોતની આશંકા છે, અને 5 થી 6 લોકો લાપતા થયાની સંભાવના છે. ભૂમધ્ય વાવાઝોડું ડેનિયલના કારણે તટવર્તી શહેર ડેરનાને ડિઝાસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યું છે. પૂર્વી લિબિયનના વડાપ્રધાને ગઈકાલે સર્જાયેલ દુર્ઘટના અનુસંધાને ત્રણ દિવસના શોકની જાહેરાત કરી હતી અને દેશભરમાં રાષ્ટ્રધ્વજોને અડધી કાઠીએ કરી દેવાના આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, તેમની સરકારે શનિવારે જ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. વાવાઝોડા પહેલા સાવચેતીના ભાગરૂપે શાળાઓ પહેલેથી જ બંધ કરવામાં આવી હતી.