ભારત આવી રહેલા ઈઝરાયેલના વેપારી જહાજ એમવી કેમ પ્લુટો પર અરબી સમુદ્રમાં ભારતીય તટ નજીક ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે લાઇબેરિયાનો ધ્વજ લહેરાવતા જહાજના એક ભાગમાં આગ લાગી હતી. આ દરમિયાન પેન્ટાગોને મોટો દાવો કર્યો છે. પેન્ટાગોનનું કહેવું છે કે ઈરાની ડ્રોન હુમલામાં ભારત નજીક એક કેમિકલ ટેન્કરને નિશાન બનાવવામાં આવ્યું હતું.
યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે કહ્યું કે આ ડ્રોન ઈરાનથી લોન્ચ કરવામાં આવ્યું હતું, જેણે હિંદ મહાસાગરમાં એક કેમિકલ ટેન્કરને નિશાન બનાવ્યું હતું. પેન્ટાગોનના પ્રવક્તાએ રોઇટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળથી દક્ષિણ-પશ્ચિમમાં 200 નોટિકલ માઇલ (લગભગ 370 કિમી) વિસ્તારમાં ઇરાનના ડ્રોન દ્વારા ઇઝરાયેલના જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે આગ લાગી હતી. પેન્ટાગોને નિવેદનમાં કહ્યું છે કે 2021 પછી કોમર્શિયલ શિપિંગ પર આ સાતમો ઈરાની હુમલો છે. જો કે, સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાની પ્રતિનિધિમંડળના પ્રવક્તાએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.