/connect-gujarat/media/media_files/2025/11/24/thumbs_b_c_3ee622d10690913f4abf3e8edcd338ac-2025-11-24-09-30-00.jpg)
બેરૂતના આકાશમાં ગૂંજેલા વિસ્ફોટે મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધના ભણકારા કર્યા છે. હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટોપ કમાન્ડરના મોત પછી યુદ્ધવિરામ ફરી તૂટી પડવાનું જોખમ ઊભું થયું છે.
લેબનોનની રાજધાની બેરૂતમાં ઇઝરાયલે કરેલા શક્તિશાળી હવાઈ હુમલાએ ફરી ચકચાર મચાવી છે. દક્ષિણ બેરૂતના દહિયેહ વિસ્તારની એક ઇમારત પર મિસાઇલ ફાયર કરવામાં આવી હતી. જ્યાં હિઝબુલ્લાહના આર્મી ચીફ હૈથમ તબતાબાઈ રહેતા હતા. ઇમારતનો મોટો હિસ્સો ધરાશાયી થવાથી 20 થી વધુ નિર્દોષ રહેવાસીઓ ઘાયલ થયા હતા. જ્યારે નજીકના મકાનો અને વાહનોને પણ ભારે નુકસાન થયું હતું. હુમલો એટલો અચાનક હતો કે આસપાસના વિસ્તારમાં ક્ષણોમાં ધુમાડો થઈ ગયો હતો.
અહેવાલોના આધારે આ હુમલો નવેમ્બર 2024માં થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાયો છે. લેબનોન તાજેતરમાં ઇઝરાયલ સાથે વાતચીત કરવા રાજી થયું હતું. છતાં આ હવાઈ હુમલાએ રાજનીતિક માહોલને વધુ ગંભીર બનાવી દીધો છે. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલાને આતંકવાદી નેટવર્કને કમજોર કરવાની કાર્યવાહી ગણાવી છે. તેમણે આરોપ મૂક્યો કે હિઝબુલ્લાહ પોતાની લશ્કરી શક્તિમાં સતત વધારો કરી રહ્યું છે અને આ ક્ષેત્રની સુરક્ષા માટે ગંભીર ખતરો બની ગયું છે.