ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ 19 નવેમ્બરે અચાનક પ્રથમ વખત ગાઝાની મુલાકાત લીધી હતી. અહીં તેઓ ઇઝરાયલના સૈન્ય ઠેકાણાઓ પર પહોંચ્યા. રક્ષા મંત્રી ઇઝરાયલ કાત્ઝ પણ તેમની સાથે હતા.આ દરમિયાન તેમણે ઇઝરાયલના બંધકોને સોંપનાર વ્યક્તિને 5 મિલિયન ડોલર આપવાની પણ ઓફર કરી હતી. નેતન્યાહુએ હમાસ સાથે યુદ્ધવિરામ માટેના કોઈપણ પ્રયાસોને સખત રીતે નકારી કાઢ્યા છે.
તેમણે કહ્યું કે યુદ્ધ સમાપ્ત થયા બાદ હમાસ ફરી ક્યારેય પેલેસ્ટાઈન પર શાસન નહીં કરે.નેતન્યાહુએ કહ્યું- હમાસ પાછા નહીં ફરે. ઇઝરાયલ ગાઝામાં ગુમ થયેલા 101 ઇઝરાયલ બંધકોની શોધ ચાલુ રાખશે. કોઈપણ જે અમારા બંધકોને નુકસાન પહોંચાડવાની હિંમત કરે છે તે તેમના પોતાના મૃત્યુ માટે જવાબદાર રહેશે. અમે તેમને શોધતા રહીશું.ઇઝરાયલની સેનાએ આ મુલાકાતનો વીડિયો પણ જાહેર કર્યો છે. નેતન્યાહૂ વોર જેકેટ અને હેલ્મેટ પહેરેલા જોવા મળે છે. ઇઝરાયલે આ મુલાકાત એવા સમયે કરી છે જ્યારે બ્રાઝિલમાં G-20 સમિટ ચાલી રહી છે. સમિટમાં ગાઝાને વધુ મદદ આપવા અને યુદ્ધ રોકવા માટે અપીલ કરવામાં આવી હતી.