કોલંબિયાના રિસારાલ્ડા પ્રાંતમાં વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના બની છે અને એ ભૂસ્ખલનને કારણે એક બસ અને અન્ય વાહનો તેમાં દટાઈ ગયાનું સામે આવ્યું છે. મળતી જાણકારી અનુસાર તેમાં ઓછામાં ઓછા 33 લોકોના મોત થયા છે. સાથે જ સોમવારે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ ઘટના પર શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે સરકાર આ મુશ્કેલ સમયમાં પીડિત પરિવારોની સાથે છે.
જણાવી દઈએ કે કોલંબિયાના ગૃહ પ્રધાન અલ્ફોન્સો પ્રાડાએ આ ઘટના વિશે કહ્યું હતું કે 'આ ઘટનાથી અમે બધા ખૂબ જ દુઃખી છીએ અને અત્યાર સુધીમાં અમને 3 સગીર સહિત 33 મૃતદેહ મળ્યા છે. આ સિવાય 9 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી ચારની હાલત ગંભીર છે. '
કોલંબિયાની રાજધાની બોગોટાથી લગભગ 230 કિમી દૂર કોફી ઉત્પાદન માટે પ્રખ્યાત કોલંબિયાના પર્વતીય પ્રદેશમાં પ્યુબ્લો રિકો અને સાન્ટા સેસિલિયા ગામો વચ્ચે મુસાફરી કરતાં સમયે રવિવારે ભૂસ્ખલનમાં એક બસ સહિત અનેક વાહનો દટાયા હતા.