/connect-gujarat/media/media_files/2025/11/14/13_11_2025-donald-trump-2-1762991745728-2025-11-14-10-22-55.jpg)
ફિનલેન્ડની સરહદથી નજીક રશિયાના કારેલિયા ક્ષેત્રમાં ગુરુવારે સાંજે રશિયન વાયુસેનાનું Su-30 ફાઇટર જેટ ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે આ ઘટના અંગે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે નિયમિત તાલીમ ઉડાન દરમિયાન થયેલા આ અકસ્માતમાં વિમાનના બંને પાઇલટનું મૃત્યુ થયું છે.
સંરક્ષણ મંત્રાલય મુજબ અકસ્માત ગુરુવારે સાંજે લગભગ 7 વાગ્યે (મોસ્કો સમય) થયો હતો. મંત્રાલયે વધુમાં માહિતી આપી હતી કે, વિમાન તે સમયે દારૂગોળો વિના તાલીમ મિશન પર હતું અને નિર્જન વિસ્તારમાં ક્રેશ થયું હતું, જેને કારણે જમીન પર કોઈ જાનહાનિ કે ભૌતિક નુકસાન થયું નથી. રશિયાની રાજ્ય સમાચાર એજન્સી TASS દ્વારા મંત્રાલયના નિવેદનને ટાંકીને જણાવાયું હતું કે, કારેલિયામાં એક સુનિશ્ચિત તાલીમ ઉડાન દરમિયાન Su-30 ફાઇટર જેટ ક્રેશ થયું. વિમાન દારૂગોળો વિના ઉડી રહ્યું હતું. બંને પાઇલટનું સ્થળ પર જ મૃત્યુ થયું. કારેલિયાના ગવર્નર આર્ટુર પરફેન્ચિકોવે પોતાની ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું કે, તેઓને પ્રિઓનઝ્સ્કી જિલ્લામાં વિમાન ક્રેશ વિશે માહિતી મળી હતી અને તરત જ કટોકટી પ્રતિભાવ ટીમોને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. ગવર્નરે બાદમાં પુષ્ટિ કરી કે વિમાન ગાઢ જંગલમાં પટકાતા જમીન પર કોઈ જાનહાનિ કે માલમત્તાનું નુકસાન થયું નથી.