/connect-gujarat/media/media_files/2025/12/30/scss-2025-12-30-21-23-29.jpg)
પશ્ચિમ એશિયામાં ભૌગોલિક રાજકીય તણાવ (Geopolitical Tension) શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ઈઝરાયેલ-હમાસ સંઘર્ષની વચ્ચે હવે બે શક્તિશાળી આરબ દેશો, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE), આમને-સામને આવી ગયા છે. સાઉદી અરેબિયાએ યમનના દરિયાકિનારે લંગરાયેલા યુએઈના બે જહાજો પર હવાઈ હુમલો (Airstrike) કર્યો છે. સાઉદીનો દાવો છે કે આ જહાજોમાં રહેલો સૈન્ય સામાન તેમની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ હતો. આ ઘટના બાદ સાઉદીએ યુએઈને સૈન્ય પાછું ખેંચવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ પણ આપ્યું છે.
સાઉદી અરેબિયાએ આક્રમક વલણ અપનાવતા યુએઈ પર ગંભીર આક્ષેપો કર્યા છે. સાઉદી સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, યમનના મુકલ્લા બંદર પર ત્રાટકેલા આ જહાજોમાં લશ્કરી વાહનો અને શસ્ત્રો હતા, જે યમનના બળવાખોર જૂથો (Rebel Groups) સુધી પહોંચાડવાના હતા. આ સાધનસામગ્રીનો ઉપયોગ સાઉદી ક્ષેત્રમાં હુમલો કરવા માટે થઈ શકે તેમ હતો, જે સીધો 'રાષ્ટ્રીય સુરક્ષા' (National Security) પરનો ખતરો છે. પોતાના દાવાને પુષ્ટિ આપવા સાઉદીએ હુમલા પહેલા યુએઈના ફુજૈરાહ બંદરનો એક ડ્રોન વિડિયો (Drone Video) પણ જાહેર કર્યો હતો, જેમાં આ શસ્ત્રો જહાજમાં લોડ થતા દેખાઈ રહ્યા છે. સાઉદીએ અબુ ધાબીને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે યમનના અલગતાવાદીઓને સમર્થન આપવું ભારે પડી શકે છે.
યમનમાં 90 દિવસની કટોકટી અને નાકાબંધી
આ ઘટનાના પગલે યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકાર એટલે કે 'પ્રેસિડેન્શિયલ લીડરશીપ કાઉન્સિલ' (PLC) એ તાત્કાલિક અસરથી 90 દિવસની કટોકટી (Emergency) જાહેર કરી દીધી છે. એટલું જ નહીં, યુએઈ સાથેનો સંરક્ષણ કરાર રદ કરીને 72 કલાક માટે હવાઈ, દરિયાઈ અને જમીની નાકાબંધી (Blockade) લાદી દીધી છે. નોંધનીય છે કે યુએઈ દ્વારા સમર્થિત અલગતાવાદી જૂથ 'સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ' (STC) એ તાજેતરમાં જ હદ્રામૌત અને માહરા પ્રાંતના મોટા વિસ્તારો પર કબજો જમાવ્યો હતો, જેના જવાબમાં યમન સરકારે આ કડક પગલાં લીધા છે.