/connect-gujarat/media/media_files/2026/01/02/scs-2026-01-02-22-09-18.jpg)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે ટેરિફ આપણા દેશ માટે ખૂબ જ ફાયદાકારક પગલું છે કારણ કે તેનાથી આપણી રાષ્ટ્રીય સુરક્ષા અને સમૃદ્ધિને એવો ફાયદો થયો છે, જે પહેલા ક્યારેય નથી થયો. અમેરિકાના રાષ્ટ્રપતિનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ વાતચીત અંતિમ તબક્કામાં છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, "જે દેશો અમારી સાથે અન્યાયી વર્તન કરે છે તેમના પર ટેરિફ લાદવાની અમારી ક્ષમતા ગુમાવવી એ અમેરિકા માટે એક મોટો ફટકો હશે." ટ્રમ્પ એવા દેશોનો ઉલ્લેખ કરી રહ્યા છે જે અમેરિકન નિકાસ પર ટેરિફ લાદે છે. યુએસ સુપ્રીમ કોર્ટ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફ અંગેના કેસની સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં આ કેસમાં ચુકાદો આપે તેવી અપેક્ષા છે. કોર્ટ નક્કી કરશે કે રાષ્ટ્રપતિ પાસે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ ટેરિફ લાદવાનો અધિકાર છે કે નહીં. યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ (CIT) અને ફેડરલ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સ બંનેએ આ ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા છે. જો સુપ્રીમ કોર્ટ આ નિર્ણયને સમર્થન આપે છે, તો IEEPA હેઠળ ટેરિફ ચૂકવનારા આયાતકારો રિફંડ મેળવવા માટે હકદાર બની શકે છે.